કસુરવાર શખ્સને કોર્ટે ચેકની રકમ 12 લાખ રુપિયા વળતર પેટે ચૂકવી આપવા આદેશ
મકાન ખરીદવા માટે બે વર્ષ અગાઉ મિત્ર પાસેથી ઉછીના નાણાં લઇ પરત કર્યા ન હતા
ગરવી તાકાત, મહેસાણા તા. 06 – મહેસાણા ખાતે રહેતા મિત્ર પાસેથી મહેસાણા તાલુકાના દેલા ગામના શખ્સે સવા બે વર્ષ પૂર્વ મકાન ખરીદવા ઉછીના નાણાં લીધા હતાં.આ નાણાં પેટે આપેલો ચેક બેન્ક માંથી પરત ફરતા આરોપી સામે ચેક રિટર્ન ની ફરિયાદ થઈ હતી.સદર કેસમાં મહેસાણા કોર્ટમાં ચાલી જતા કોર્ટ આરોપી શખ્સ ને કસૂરવાર ઠેરવી એક વર્ષ કેદ અને ચેકની રકમ રૂ 12 લાખ વળતર પેટે ચૂકવી આપવા હુકમ કર્યો હતો.
મહેસાણા તાલુકાના દેલા ગામ ખાતે આંબેડકર નગર સોસાયટીમાં રહેતા રજનીકાંત મનુભાઈ સોલંકી ને 2021માં મકાન ખરીદવું હોવાથી મહેસાણા ખાતે રહેતા મિત્ર ગૌરગ ભગવતી પ્રસાદ બારોટ પાસેથી રૂ 12 લાખ હાથ ઉછીના લીધા હતા.જોકે વાયદા પ્રમાણે સમય મર્યાદામાં રકમ પરત નહિ કરતા નાણાંની ઉઘરાણી કરતા આરોપીએ ચેક આપ્યો હતો.
આ ચેક બેંકમાં જમા કરાવતા તે પરત ફર્યો હતો.આ મામલે મહેસાણા ના વકીલ જે.પી.ત્રિવેદી મારફતે ગૌરગ ભગવતીપ્રસાદ બારોટે મહેસાણા કોર્ટમાં આરોપી સામે ચેક રિટર્ન ની ફરિયાદ નોંધાવી હતી.સદર કેસ મહેસાણા કોર્ટમાં ચાલી જતા ફરિયાદી પક્ષના વકીલની દલીલો આધારે મહેસાણા ના અધિક જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ડી.આર.ગુપ્તા એ આ કેસના આરોપી રજનીકાંત મનુભાઈ સોલંકી ને કસૂરવાર ઠેરવી એક વર્ષની કેદ અને ચેક રકમ રૂપિયા 12 લાખ વળતર પેટે ચૂકવી આપવા હુકમ કર્યો હતો.