અમદાવાદથી અર્ટીગા ગાડી લઇને મહેસાણા-ભાન્ડુ હાઇવે ઉપર આવેલા વોટરપાર્કમાં ન્હાવા જતાં છ મિત્રોને અકસ્માત નડ્યો હતો. જેમાં ભાન્ડુ હાઇવે ઉપર ગાડીનું ટાયર ફાટતાં ગાડી પલ્ટી ખાઇ હતી જેમાં એક યુવકનું મોત નીપજ્યું હતું જ્યારે ૫(પાંચ) ને ઇજા થતાં સારવાર અર્થે ખસેડ્યા છે.અમદાવાદના ભગવતી એપાર્ટમેન્ટમાં રહેતા રાજકૃષ્ણ પરેશભાઇ યોગી સહિતના મિત્રો રવિવારે મિત્ર શ્વેતાંગ પટેલ સાથે તેની અર્ટીગા ગાડી (જી.જે.૦૨.આર.ઝેડ.૧૨૪૩) લઇ મહેસાણા-ભાન્ડુ હાઇવે ઉપર આવેલા વોટરપાર્કમાં ન્હાવા નીકળ્યા હતા. જ્યાં પુરઝડપે જઇ રહેલ અર્ટીગા ગાડીનું ટાયર ભાન્ડુ નજીક ફાટતાં પલટી ગઇ હતી.ગાડીમાં બેઠેલા છ યુવકોને ગંભીર ઇજા પહોંચતાં સારવાર અર્થે મહેસાણા ખસેડ્યા હતા. જ્યારે અમદાવાદ ખાતે બુધવારે પટેલ ચિરાગકુમાર દ્વારકાદાસનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે એકની હાલત હજુ પણ ગંભીર છે. આ અંગે રાજકૃષ્ણભાઇએ વિસનગર પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે ગાડીના ચાલક શ્વેતાંગ પટેલ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.