ભરૂચ શહેરના નાગરિકો માટે 12 સિટી બસ શરૂ કરાઈ, મુખ્યમંત્રી રૂપાણીએ આપી લીલી ઝંડી

શેર કરવા અહીં ક્લિક કરો.

મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીએ વિશ્વ પર્યાવરણ દિવસે ભરૂચ શહેરના નાગરિકોને 12 સિટી બસની મહત્વપૂર્ણ ભેટ આપી છે.મુખ્યમંત્રી એ ‘સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’ અંતર્ગત ‘મુખ્યમંત્રી શહેરી બસ સેવા અન્વયે ભરૂચ નગર પાલિકા દ્વારા શરૂ કરાયેલી સિટી બસ સેવાનું આજે ગાંધીનગરથી ઈ-લોકાર્પણ કર્યું હતું. મુખ્યંત્રીએ કહ્યું કે, ભરૂચના લોકોની સુવિધા માટે તેમજ પર્યાવરણને ધ્યાનમાં રાખીને પ્રદુષણ અટકાવવા માટે સી.એન.જી બસ સેવાનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. ભરૂચ શહેરમાં 9 રૂટ પર કુલ 12 સી.એન.જી શહેરી બસ, સેવા શહેરના નાગરિકો માટે શરૂ કરવામાં આવી છે.

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી એ ઉમેર્યું કે, સમગ્ર ગુજરાત પર્યાવરણના રક્ષણ માટે ક્લાયમેન્ટ ચેન્જના પડકારોનો સામનો કરવા પ્રતિબદ્ધ છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ ભરૂચ અને અંકલેશ્વરના વિકાસ માટે મહત્વપૂર્ણ પગલાં લીધા હતાં. એશિયાનું સૌથી મોટું કેમિકલ પોર્ટ દહેજનો વિકાસ પણ તેમના કાર્યકાળ દરમિયાન થયો છે.LNG ટર્મિનલ, GNFC સહિત કેમિકલ કંપનીઓના વિકાસ દ્વારા આધુનિક શહેરનો ઓપ આપ્યો છે તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું. આના પરિણામે ભરૂચમાં રોજગારી વૃદ્ધિ થવાથી અનેક લોકો આવીને વસ્યા છે તેમના માટે આ શહેરી બસ સેવા યાતાયાત માધ્યમ બનશે.

વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે ગુજરાત સરકારે ભારત સરકારના સહયોગથી આ યોજના બનાવી છે. નગરપાલિકાઓમાં આ બસ સેવા શરૂ કરવા માટે રાજ્ય સરકાર 50 ટકા નાણાકીય સહયોગ પૂરો પાડી રહી છે, બીજા 50 ટકા ખર્ચ નગરપાલિકાઓ પોતે વહન કરવાનો હોય છે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

ભરૂચમાં પ્રદુષણની માત્રામાં ઘટાડો થાય, ટ્રાફિકની સમસ્યામાં ઘટાડો થાય તેમજ વ્યક્તિગત વાહનોનો ઉપયોગ ઘટે તે હેતુથી પબ્લિક ટ્રાન્સપોર્ટેશનની સુવિધા વિકસાવવા માટે ભાર આપી રહ્યા છીએ. ભરૂચમાં સી.એન.જી બસો શરૂ થવાથી નાગરિકોને ઓછા ખર્ચે, સલામતી સાથે આરામદાયક મુસાફરી પ્રાપ્ત થશે. રાજ્યની 8 મહાનગરપાલિકા અને 22 નગરપાલિકાઓ સહિત કુલ 30 શહેરોમાં ‘સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’ અન્વયે ‘મુખ્યમંત્રી શહેરી બસ સેવા’ ના અભિગમમાં હવે ભરૂચ શહેરનો તેમાં ઉમેરો થયો છે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યુ હતું.

કોરોના સંક્રમણકાળમાં રાજ્ય સરકારે વિકાસની ગતિ મંદ પડવા દીઘી નથી. કોરાનાકાળમાં અંદાજિત રૂ. 30,000 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમૂહર્ત કર્યું છે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યુ હતું.મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, કોરોનાની બીજી લહેરને નિયંત્રિત કરવામાં સફળતાં હાંસલ કરી છે. જો સંભિવત કોરોનાની ત્રીજી લહેર આવે તેના માટે ગુજરાત સજ્જ છે. કોરોનાથી ડરવાની કોઈ જરૂર નથી પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે. કોરોનાને નિયંત્રણમાં લેવા માટે વેક્સિનેશન જ એકમાત્ર ઉપાય છે. ગુજરાતના તમામ જિલ્લાના 18 થી 44 વર્ષ સુધીના નાગરિકોને વિનામુલ્યે વેક્સિન ઝડપથી મળે તેનો પ્રારંભ કરાવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત 45 કે તેથી વધુ વયના નાગરિકોને કોરોનાની રસીના બંન્ને ડોઝ ઝડપથી આપી દેવાની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.

આ કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અમિતભાઈ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, નગરપાલિકાના ઉપપ્રમુખ નીતાબેન, કારોબારી ચેરમેન નરેશભાઈ, પબ્લિક ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન ચેતનભાઈ તથા જિલ્લા કલેકટર  મોડીયા, કાઉન્સિલર્સ સહિત અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.