લોકસભા બેઠક પર ભાજપના હરિભાઇ પટેલ અને કોંગ્રેસે રામાજી ઠાકોર વચ્ચે ખેલાશે રણસંગ્રામ
મહેસાણામાં ભાજપે ‘હરિ’ને તો કોંગ્રેસે ‘રામ’ને મેદાનમાં ઉતાર્યા
ગરવી તાકાત, મહેસાણા તા. 13 – લોકસભાની ચૂંટણીના દિવસો જેમ જેમ નજીક આવતાં જાય છે તેમ તેમ રાજકિય ગરમાવો તેજ બની રહ્યો છે. મહેસાણા લોકસભાની બેઠક પર ભારતીય જનતા પાર્ટી દ્વારા હરિભાઇ પટેલને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે તો આખરે મહેસાણા લોકસભાની બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની ઘોંચમાં પડેલી કોકડું ઉકેલાઇ જવા પામ્યું છે. જેમાં મહેસાણાની બેઠક પર કોંગ્રેસે રામાજી ઠાકોરને ટિકીટ આપી ચૂંટણીના રણસંગ્રામમાં ઉતાર્યા છે. ત્યારે લોકસભાની આ ચૂંટણીમાં ભાજપના હરિ અને કોંગ્રેસના રામ વચ્ચે કાંટે કી ટક્કર થવાની શક્યતા છે.
મહેસાણા લોકસભાની બેઠક પર મોટા ભાગે બે સમાજનું પ્રભુત્વ રહેલું છે. આ બે સમાજની મહેસાણા જિલ્લામાં મોટા પ્રમાણમાં વોટબેંક છે. જેમાં પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજ જેમાં પ્રથમ પાટીદાર સમાજની વોટબેંક છે જ્યારે બીજા ક્રમે ક્ષત્રિય સમાજની વોટબેંક છે. પરંતુ રામાજી ઠાકોરને ઓબીસીની વોટબેંકનો પણ ફાયદો થઇ શકે તેમ છે. પરંતુ મહેસાણા જિલ્લો ભાજપનો ગઢ સાબિત થયો છે તે જોતાં કોંગ્રેસના રામાજી ઠાકોરને હરિભાઇ પટેલને હરાવવા માટે આગવી રાજકિય રણનિતીથી ચૂંટણી લડવી પડશે. બાકી ભારતીય જનતા પાર્ટીના હરિભાઇ પટેલ ભારે પડી શકે તેમ છે.
મહેસાણાના લોકસભાની બેઠક પરની વોંટબેંક બે સમાજ વચ્ચે સમેટાઇ જાય તેમ છે. જેમાં હરિભાઇ પટેલને પાટીદારોનો ભરપૂર સાથ સહકાર મળી રહેશે સાથે સાથે હરિભાઇ પટેલ પાટીદાર સમાજમાંથી આવતાં હોવાથી તમામ પાટીદારોના મત હરિભાઇ પટેલની જોળીમાં પથરાશે તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા ક્ષત્રિય ઉમેદવારની પસંદગી કરવામાં આવી છે જેને પગલે ક્ષત્રિય સમાજના મોટાભાગના તમામ મત તેમજ ઓબીસીના કેટલાક મત ઠાકારો રામાજીની જોળીમાં આવવાની શક્યતા સેવાઇ રહી છે. ત્યારે મહેસાણા લોકસભાની બેઠક પર પાટીદાર અને ક્ષત્રિય સમાજનું આ સમીકરણ જોતાં મહેસાણાની બેઠક પર કાંટે કી ટક્કર જેવો ચૂંટણી રણસંગ્રામ ખેલાશે.
ક્ષત્રિયોનો વિવાદ નહી ઉકેલાય તો ગુજરાતમાં ભાજપને જીતમાં પાતળી સરસાઇ મળવાની શક્યતા
મહેસાણા લોકસભાની બેઠક પર કોંગ્રેસ દ્વારા તમામ રાજકિય સમીકરણો પર તર્કબદ્ધ રીતે ક્ષત્રિય સમાજ દ્વારા હાલમાં ભાજપના રૂપાલા સામે ચાલી રહેલા વિવાદને ધ્યાનમાં લઇને ઠાકોર રામાજી પર પસંદગીની મહોર મારી છે. મહેસાણા જિલ્લાના તમામ તાલુકાઓમાં ક્ષત્રિય સમાજ દ્વારા કલેકટર, મામલતદાર સહિતને આવેદન પત્ર આપી રૂપાલાની ટિકીટ રદ કરવાની માંગ કરી હતી.
પરંતુ ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્પષ્ટ સંદેશો આપી દેવાયો છે કે રૂપાલાની ટિકીટ કોઇપણ સંજોગોમાં રદ કરવામાં નહી આવે તો બીજી તરફ ગુજરાતમાં ક્ષત્રિય સમાજ આગામી સમયમાં મોટા મોટા સંમેલનો યોજી રૂપાલાની ટિકીટ રદ કરવાની પોતાની માંગ પર અડગ રહ્યો છે. ત્યારે જો મહેસાણા લોકસભાની બેઠક પર જો રૂપાલા વિવાદનો અંત નહી આવે તો ભાજપના ઉમેદવાર હરિભાઇ પટેલને હરિ ભજો હરિ ભજો જેવો ઘાટ પણ ઘડાઇ શકે છે અને ક્ષત્રિય સમાજના તમામ મતો આ વિવાદને પગલે કોંગ્રેસના રામાજી ઠાકોરને મળી શકવાની શક્યતા સેવાઇ રહી છે. ત્યારે રૂપાલા અને ક્ષત્રિયો વચ્ચે વિવાદ ન ઉકેલાયો તો કોંગ્રેસના રામાજી માટે ફાયદારૂપ સાબિત થશે.