રૂ.૧.૩૪ લાખનો મુદ્દામાલ સેરવી ગઠીયા ફરાર થઈ જતા અંબાજી પોલીસ મથકે ફરીયાદ. બનાસકાંઠા જિલ્લાના યાત્રાધામ અંબાજીમાં એક વૃધ્ધાને ભોળવીને બે ગઠીયાઓ દાગીના ધોવાના બહાને દાગીના લઈ રફુચક્કર થઈ જતા આ બાબતે અંબાજી પોલીસ મથકે ફરીયાદ નોંધાવા પામી છે. જેમાં પોલીસે ફરીયાદ આધારે બે અજાણ્યા ઈસમો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આજના આધુનિક જમાનામાં પણ છેતરપીંડી આચરતા લોકો લોકોને ધોળે દિવસે પણ ચૂનો ચોપડી જતા રહેતા હોય છે. તેમાં બનાસકાંઠા જિલ્લાના યાત્રાધામ અંબાજી ખાતે એક વૃધ્ધા સાથે છેતરપીંડીનો બનાવ સામે આવ્યો છે. બનાવ અંગે સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલ માહીતી અનુસાર અંબાજીમાં રહેતા એક વૃધ્ધાના ઘરે બપોરના સુમારે બે ગઠીયા આવેલા અને દાગીના ધોઈ આપશે તેવું બહાનું બતાવતા લાલચમાં આવી જઈ વૃધ્ધાને તેમના રૂ.૧.૩૪ લાખના દાગીના ધોવા માટે આપેલા તેમા વીંટી, બંગડી અને ચેન સહિતના દાગીના આ ગઠીયાઓને ધોવા આપતા ત્યારબાદ આ બે ગઠીયાએ વૃધ્ધાને કઈક કરી દેતા તેઓને ભાન રહેલ નહી અને આ બન્ને મોકો જાઈ ત્યાંથી ભાગી ગયા હતા. સમગ્ર મામલે વૃધ્ધાને ભાન થતા બૂમાબૂમ કરી મુકતા આસપાસમાંથી લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને દાગીના લઈ બે ઈસમો ભાગી ગયાની વાત પોલીસને જાણ કરાતા પોલીસ પણ દોડી આવી હતી અને સમગ્ર મામલે અંબાજી પોલીસ મથકે અજાણ્યા બે ઈસમો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આમ બનાસકાંઠા જિલ્લામાં આવેલા વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજીમાં પણ ગુનેગારોને જાણે પોલીસનો ડર જ ન હોય તેમ દિન દહાડે આવી ઘટનાઓને અંજામ આપી રહ્યા છે ત્યારે લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Contribute Your Support by Sharing this News: