મહેસાણા વિસનગર રોડ પર આવેલ ગુજરાત વિદ્યુત બોર્ડની કચેરીના પ્રવેશદ્વાર પાસે ખડકાયા કચરાની ગંદકીના ઢગે ઢગ
ગરવી તાકાત, મહેસાણા તા. 12 – Sohan Thakor – યુજીવીસીએલ (ગુજરાત વિદ્યુત બોર્ડ) મહેસાણાની પ્રાદેશિક સ્ટોર કચેરીના પ્રવેશ દ્વાર પાસે કચરાના ઢગે ઢગ ખડકાયેલા જોવા મળી રહ્યાં છે. ત્યારે અહીં ગુજરાત વિદ્યુત બોર્ડ મહેસાણાની કચેરી પાસે આ કચરાના ઢગ કોણ અહીં ખડકલો કરી જાય છે તે બાબતને લઇને ગુજરાત વિદ્યુત બોર્ડની કચેરીના કર્મચારીઓ તેમજ અધિકારઓ ત્રાહીમામ પોકારી ઉઠ્યાં છે તો બીજી તરફ મહેસાણા નગરપાલિકા દ્વારા અહીંથી કોઇપણ પ્રકારની સાફ સફાઇ કરવામાં આવતી નથી. મહેસાણા નગરપાલિકાની અહીં ધરાર બેદરકારી છતી થઇ રહી છે.
મહેસાણા વિસનગર રોડ પર આવેલ ઉત્તર ગુજરાત વીજ કંપની ગુજરાત વિદ્યુત બોર્ડ મહેસાણાની પ્રાદેશિક સ્ટોર કચેરીના મુખ્ય પ્રવેશ દ્વારની ગેટની દિવાલની અડોઅડ કચરાના ઢગલાઓનું સામ્રાજ્ય રોજ રોજ જોવા મળે છે. જે સમસ્યા ઘણા સમયથી ચાલી આવે છે. એક બાજુ મહેસાણા નગરપાલિકા સ્વચ્છતાના નામે મોટા મોટા બણગા ફૂંકી રહી છે અને સફાઇના નામે ઝુંબેશ ચલાવવાના દાવાઓ કરી રહી છે
જે દાવાઓ અહીં પોકળ સાબિત થઇ રહ્યાં છે. ત્યારે મહેસાણા પાલિકાની સ્વચ્છતાના નામે ઘોર બેદરકારી તેમજ ઉદાસીન છતી થઇ રહી છે. મુખ્ય પ્રવેશ દ્વારની આજુબાજુ કચરાની ગંદકીથી દુર્ગધ મારે છે અને કચરો ઘણા દિવસથી જેમનો તેમ પડ્યો રહે છે અને નગરપાલિકાના સફાઇ વિભાગ તરફથી કચરાનો નિકાલ કરવામાં આવતો નથી વધુમાં સરકાર કચેરીની દિવાલને અડીને કચરો કોણ નાખે છે અને કોણ ભેગો કરે છે તે પણ જાણવા મળતું નથી.
જેથી સરકારી ઉત્તર ગુજરાત વીજ કંપની ગુજરાત વિદ્યુત બોર્ડ મહેસાણાની પ્રાદેશિક સ્ટોર કચેરીના મુખ્ય પ્રવેશ દ્વારની ગેટની દિવાલની અડોઅડ ઠલવાતો કચરો ઉપાડીને અન્ય જગ્યાએ ખસેડીને કાયમી ધોરણે વૈક્લિપક વ્યવસ્થા કરે તેવી આ કચેરીમાં ફરજ બજાવતાં કર્મચારી કિર્તિકુમાર પરમાર તથા રમેશભાઇ ચૌધરી દ્વારા રાવ વ્યક્ત કરવામાં આવી છે જે બાબતે સત્વરે કાર્યવાહી કરી સાફ સફાઇ થાય તે બાબતની માંગણી કરવામાં આવી છે.