અમદાવાદની મહિલાઓનું સુરક્ષા કવચ વધારવા પોલીસે પ્રાયોગિક ધોરણે એક પ્રોજેક્ટ શરૂ કર્યો છે. જેમાં મહિલાઓ પાસે મહિલા સુરક્ષા સર્વે કરવામાં આવી રહ્યો છે. અમદાવાદ માં હવે ગુનેગારો મહિલાઓ માટેનું આ સુરક્ષા કવચ નહિ ભેદી શકે
દિવસેને દિવસે વધી રહેલી ક્રાઈમની ઘટના ઓ વચ્ચે અમદાવાદની મહિલાઓને વધુ સુરક્ષા કેવી રીતે આપી શકાય તેને લઈને અમદાવાદ પોલીસ બેડામાં એક બેઠક યોજાઈ હતી. અમદાવાદ શહેરના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ના એડિશનલ સીપી પ્રેમવીર સિંહ અને સ્પેશ્યલ બ્રાન્ચના એસીપી રીમા મુન્શી સાહિતના અધિકારીઓની ચર્ચા વિચારણાના અંતમાં અમદાવાદની મહિલાઓનો સુરક્ષા સર્વે કરવાનું નક્કી કરાયુ છે. જેમાં ઓનલાઈન ગૂગલ ફોર્મ બનવવામાં આવ્યું છે. આ ફોર્મમાં એક ડઝનથી પણ વધુ પ્રશ્નો મૂકવામાં આવ્યા છે. જે મહિલાઓની રોજિંદી લાઈફ તથા સુરક્ષા સાથે જોડાયેલા છે. આ ફોર્મ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મૂકાયુ છે. આ ગૂગલ ફોર્મ અમદાવાદ શહેર પોલીસના ટ્વીટર હેન્ડલ પર જાહેરમાં મૂકવામાં આવ્યુ છે
અસુરક્ષિતતાના કારણો કયા છે?
લાઇટિંગના પ્રશ્નો, અંધારાવાળા સ્થળો, યોગ્ય સંકેતિક બોર્ડનો અભાવ, જાહેર જગ્યાની યોગ્ય જાળવણીનો અભાવ, ભીડભાડવાળા સ્થળો, અસરકારક ગાર્ડ, પોલીસ અભાવ અથવા અન્ય કારણ સહિતના સવાલોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં 22 હજાર મહિલાઓ આ મહિલા સુરક્ષા સર્વે ભરી ચૂકી છે. આ સર્વેના અંતે શહેર પોલીસ કઈ કઈ જગ્યાએ પોલીસનું પેટ્રોલિંગ વધારવુ તેમજ અન્ય વ્યવસ્થા ઉભી કરશે
હાલમાં આ સર્વેની લિંક અમદાવાદ શહેર પોલીસે તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મૂકી છે. સાથે જ અમદાવાદ શહેર પોલીસની SHE ટીમ દ્વારા આ સર્વે અંગે જાગૃતિ લાવીને કામગીરી કરાઇ રહી છે. 28 ડિસેમ્બર 2021 થી શરૂ કરાયેલ આ સર્વે 12 જાન્યુઆરી 2022 સુધી શરૂ રહેશે. જેમાં અત્યાર સુધીમાં અંદાજે 22 હજાર મહિલાઓએ ભાગ લીધો છે. આ સર્વેના આધારે ઉમર પ્રમાણે મહિલાઓનુ ગૃપિંગ, તથા ગૃહિણીઓ અને કામકાજ કરતી મહિલાઓ તથા તેમના પ્રશ્નો અંગેની વહેંચણી કરાશે. સાથે જ ફુટપાથ, રોડસાઇડ, પબ્લિક ટ્રાન્સપોર્ટના સ્ટેશન, જાહેર બાગ-બગીચા, ચાર રસ્તા અને અન્ય જાહેર કચેરીઓ જેવી જે જગ્યાઓ અસુરક્ષિત છે તેનું મેપિંગ કરી તેની પાછળના કારણો પોલીસ જાણશે અને તેના પર કામગીરી કરાશે. સાથે જ મહિલાઓ કામકાજના સ્થળે, શાળા, કોલેજમાં કઇ મૂળભૂત સેવાઓની અપેક્ષિતતા રાખે છે તેનો પણ સર્વે કરાશે. સાથે જ મહિલા ઓ સ્વરક્ષણ અંગે કાયદાકીય જોગવાઇઓ અંગે કેટલીક જાગૃતતા ધરાવે છે તેની પણ પોલીસ વિગતો મેળવશે. આ સર્વેના પરિણામ આગામી સમયમાં મહિલા સુરક્ષા અંગેના ફ્રેમવર્ક ડિઝાઇન કરવા માટે આધાર તરીકે ઉપયોગમાં પણ લેવાશે અને મહિલાઓ માટેની શી ટીમ, વન સ્ટોપ સેન્ટર, અભયમ હેલ્પલાઇન, પેનિક બટન, સાઇબર યુનિટ યોગ્ય અને પ્રભાવી સંકલન કરીને અમદાવાદ શહેર પોલીસ મહિલા સુરક્ષાની દ્રષ્ટિએ વધુ અસરકારક તથા પરિણામ લક્ષી કામગીરી કરશે.
[News Agency]