-
સિદ્ધપુરમાં ગત ૧૭ જૂને સવારે આંગડિયા પેઢીનો કર્મચારી દેથલી ચોકડીએથી સોના-ચાંદીના દાગીના તેમજ હીરાનું પાર્સલ લઈ પેઢી તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન અજાણ્યા ચાર બુકાનીધારીઓએ છરી બતાવી રૂ.6,84,030 લાખનો મુદામાલ લૂંટી ફરાર થઈ ગયા હતા. સિદ્ધપુર પોલીસ મથકે નોંધાયેલા લૂંટના ગુનાની તપાસ માટે મહેસાણા જિલ્લામાં લોગ એન્ટ્રી પસાર કરાઈ હોવાથી પોલીસ મહાનિરીક્ષક અભય ચૂડાસમા અને મહેસાણા જિલ્લા પોલીસ વડા ડૉ.પાર્થરાજસિંહ ગોહિલે એલસીબી પીઆઈ બી.એચ.રાઠોડને લૂંટના ગુનાનો ભેદ ઉકેલવા માર્ગદર્શન સૂચના આપી હતી. જેથી પીઆઈએ એલસીબી સ્ટાફને અગાઉ આંગડિયા લૂંટના ગુનામાં પકડાયેલા આરોપીઓને ટાર્ગેટ કરી તેઓની ઉપર વોચ રાખવા સહિત માર્ગદર્શન આપ્યું હતું.
-
દરમિયાન આ લૂંટ ઉપેન્દ્રસિંહ ઉર્ફે પીન્ટુભા કીર્તિસિંહ ચૌહાણ (રહે.કોઠાસણા, તા.સતલાસણા)એ સાગરિતો સાથે મળીને આચર્યો હોવાની તેમજ સાગરિતો પૈકી કિરણજી મણાજી ઠાકોર (રહે.ભાન્ડુ, ચિત્રોડિયાનો મેલ્લો, તા.વિસનગર), વિષ્ણુજી ભુદરજી ઠાકોર (રહે.વડુ(વાલમ), ઉગમણોવાસ, તા.વિસનગર), રસિકજી નાગજી ઠાકોર (રહે.થલોટા, આથમણોવાસ, તા.વિસનગર) તથા રબારી જયરામભાઈ જીવણભાઈ (રહે.કરલી, રબારીવાસ, તા.ઊંઝા) એક સફેદ રંગની ઈકો કાર (નં.જીજે-૨-ડીઈ-૬૬૯૨)માં ભાન્ડુથી વાલમ જતા ગેટ પાસે આવેલી બ્રહ્માણી હોટલ સામે રોડ ઉપર ઊભા હોવાની બાતમી મહેસાણા એલસીબીના પીએસઆઈ એસ.બી.ઝાલા, એએસઆઈ રાજેન્દ્રસિંહ, હેડ કોન્સ. નિલેશકુમારને મળી હતી.
-
જેથી એલસીબી સ્ટાફે ત્યાં જઈને કાર કોર્ડન કરી ચારેય શખ્સોને પકડી લીધા હતા. જેમણે સહ આરોપીઓ ઉપેન્દ્રસિંહ ઉર્ફે પીન્ટુ કીર્તિસિંહ ચૌહાણ, જયવીરસિંહ શકુસિંહ ચૌહાણ (બંને રહે. મોટા કોઠાસણા, તા.સતલાસણા), દેવરાજસિંહ ઉર્ફે દેવુભા બાલસિંહ વાઘેલા (કુબડા, તા.સતલાસણા), રાજપાલસિંહ તથા અન્ય બે શખ્સો સાથે મળી પ્લાન્ટ બનાવી લૂંટ આચરી હોવાની કબૂલાત કરી હતી. જેમાં તેમણે બે કાર તથા બે બાઈક લઈ ગુનાના દસેક દિવસ અગાઉથી અવાર નવાર રેકી કરી લૂંટને અંજામ આપ્યો હતો. પોલીસે ઈકો ગાડી તથા ૪ મોબાઈલ મળી રૂ.૪.૧૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે દેથલી ચોકડીએથી ૧૭ જૂને આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી રૂ.૮.૮૪ લાખના સોનુ અને હિરાનાં પાર્સલની લૂંટની ઘટનાનો ભેદ મહેસાણા એલસીબીએ પાંચ દિવસમાં ઉકેલી દીધો છે. એલસીબીએ રૂ.૪.૧૩ લાખના મુદ્દામાલ સાથે ચાર આરોપીઓને ઝડપી લીધા છે અને આ લૂંટમાં સંડોવાયેલા વધુ છ આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરાયાં છે.