અંબાજીમાંં તસ્કરોની તસ્કરી : દાગીના સહિત રૂ.૬.૬ર લાખની મતાની ચોરી કરી તસ્કરો પલાયન

ગરવીતાકાત,બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લાના યાત્રાધામ અંબાજીમાં પોલીસને તસ્કરોએ તમતમતી લપડાક મારીને ચોરીના મોટા ગુનાને અંજામ આપી દેતા પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે. સોના ચાંદીના દાગીના સહિત રૂ.૬.૬ર લાખની મતાની ચોરી કરી તસ્કરો રફુચક્કર થઈ જતા આ બાબતે હવે ઘોડા છુટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ ઘડાયો હતો. તેમાં ચોરીની ઘટનાને તસ્કરો અંજામ આપીને નીકળી ગયા બાદ પોલીસ મોડે મોડે આવી તપાસ શરૂ કરી હતી. આ બનાવ અંબાજીની યોગેશ્વર નગર સોસાયટીમાં બનવા પામ્યો હતો.

અંબાજીની યોગેશ્વરનગર સોસાયટીમાં રહેતા અને નિવૃતિ જીવન ગાળતા ગીરધારીસિંહ ભુરસિંહ બારડના મકાનમાં ગતરોજ ઘરના મુખ્ય દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરના બેડરૂમની અંદર આવેલ લોખંડની તિજારી તોડી તેમા સોનાના દાગીના જેમાં સોનાની બંગડી-૬ આશરે સાડા આઠ તોલા તથા સોનાની દોરમાળા નંગ-૧ આશરે બે તોલા તથા સોનાનું મંગળસૂત્ર નંગ-૧  આશરે ત્રણ તોલા તથા સોનાની વીંટી નંગ-૩ આશરે બે તોલા એમ સોનાના દાગીનાનો વજન આશરે ૧પ તોલા કિંમત રૂ.૪.૮૦ લાખના તથા ચાંદીના દાગીના જેમાં ચાંદીની પાયલ નંગ-૬ જાડ તથા ચાંદીના સાંકળા જાડી જેનું વજન આશરે દોઢ કિલો કિંમત રૂ.પપ હજાર તથા તિજારીમાં રોકડા રૂ.૧.ર૭ લાખ હતા. આમ, સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા કુલ રૂ.૬.૬ર લાખના રાત્રીના સમયે ચોર ઈસમો ચોરી કરી પલાયન થઈ જતા આ બાબતે ગીરધારીસિંહ બારડે અંબાજી પોલીસ મથકે નોધાવેલી ફરીયાદ આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.