પ્રતીકાત્મક તસ્વીર

ગરવીતાકાત,અરવલ્લી: અરવલ્લી જીલ્લામાં શ્રાવણીઓ જુગાર રમવાની મોસમ પૂર બહારમાં ખીલી છે. ટીંટોઈ નજીક એક ખેતરમાં જુગાર રમતા શકુનિઓ પાસે પહોંચી બે શખ્શોએ પત્રકાર તરીકે ઓળખ આપી અને પોલીસ રક્ષણ માટે ૪૦ હજારથી વધુની રકમ ૨ થી ૩ હપ્તામાં ઉઘરાવી લીધી હોવાની ચર્ચા પત્રકાર આલમ અને પોલીસતંત્રમાં ચાલી રહી છે. પોલીસના વહીવટદાર બની તોડ કરનાર બંને ભેજાબાજ શખ્શોએ પોલીસતંત્રની કામગીરી સામે પણ અનેક સવાલ ઊભા કર્યા છે.

મળતી વાત પ્રમાણે મોડાસા તાલુકાના ટીંટોઈ પંથકમાં એક ઓરડીમાં શ્રાવણીયો જુગાર રમતાં શકુનિઓ પાસે બે ભેજાબાજ શખ્શો પત્રકાર તરીકે ઓળખ આપી બિન્દાસ્ત જુગાર રમવા અને પોલીસ રક્ષણ આપવાની વાત કરી મોડાસા રૂરલ પોલીસ, જીલ્લા એલસીબી અને જીલ્લા એસઓજી પોલીસના નામે ૪૦ હજાર રૂપિયા માંગતા જુગારીઓ ગભરાઈ ઉઠ્યા હતા. આ સમયે જ જુગારની આજુબાજુ પોલીસજીપ રાઉન્ડમાં નીકળતા શકુનિઓને બંને ભેજાબાજ શખ્શોની વાત પર વિશ્વાસ આવતા તાત્કાલિક ૧૬ હજાર રૂપિયા આપી દીધા હતા.

જુગારીઓએ આ બંને ભેજાબાજ શખ્શ પોલીસને જાણ કરી દેવાનો ભય પેદા થતા બીજા દિવસે ટીંટોઈ નજીક ખેતરની ઓરડીમાં જુગાર રમવા પહોંચતા ફરીથી આ બંને શખ્શો પહોંચી જઈ બે હપ્તામાં ૨૪ હજારથી વધુ રૂપિયા શકુનિઓ પાસેથી પત્રકારનો ડર અને પોલીસના રક્ષણના નામે ખંખેરી લીધા હોવાની ચર્ચાએ ભારે જોર પકડ્યું છે, ત્યારે ટીંટોઈ પંથકમાં તોડ કરનાર બે ભેજાબાજ શખ્શો કોણ…? અંગે વિવિધ ચર્ચાએ જોર પકડ્યું છે. ટીંટોઈ પંથકના જાગૃત નાગરિકોમાં પોલીસતંત્રને બદનામ કરતા અને લોકશાહીનો ચોથો સ્તંભ ગણાતા પત્રકારોની પ્રામાણિકતાને લાંછન લગાડનાર બંને ભેજાબાજ શખ્શોનો અસલી ચહેરો પોલીસતંત્ર તપાસ કરી બહાર લાવે તેવું ઈચ્છી રહ્યા છે.

તસ્વીર અહેવાલ તરુણ પીરોહિત અરવલ્લી 

Contribute Your Support by Sharing this News: