અરબી સમુદ્રમાં સર્જાયેલી નિસર્ગ વાવાઝોડા સિસ્ટમની અસરે મુંબઈ-મહારાષ્ટ્રથી માંડીને દક્ષિણ ગુજરાત સુધી વરસાદ શરૂ થઈ ગયો છે. ગુજરાતના 29 તાલુકાઓમાં ઝરમરથી માંડીને બે ઈંચ સુધી વરસાદ થયો હતો. મુંબઈમાં પણ હળવો વરસાદ નોંધાયો હતો.
ગુજરાતમાં તાપી જીલ્લાના વાલોદમાં બે ઈંચ વરસાદ પડયો છે. જયારે ભાવનગરમાં તથા અમરેલીના ધારી, લીલીયા તથા સુરતના મહુવામાં એક-એક ઈંચ વરસાદ થયો હતો. આ સિવાય ગાંદીનગરના દેહગામ, મહીસાગરના કડાણા, ડાંગ, ખેડા, સુરતના માંડવી, વલસાડના કપરાળા, ગાંધીનગરના માણસા તથા અમરેલીના બગસરામાં અર્ધો-અર્ધો ઈંચ વરસાદ નોંધાયો હતો.
સુરતના ઉમરપાડા, પલસાણા, ખેડાના કપડવંજ, માતર, મહેમદાબાદ, નડીયાદ, અરવલ્લીના માલપુર, અમદાવાદ શહેર, મહીસાગરના લુણાવાડા, સંતરામપુર, દાહોદના ફતેપુરા, તાપીના સાનગઢ, બોટાદ, નવસારીના જલાલપોરમાં પણ ઝાપટા પડયા હતા અને વાતાવરણ પલ્ટો થયો હતો. મુંબઈમાં પણ મેઘસવારી હતી. આખો દિવસ વાદળછાયુ વાતાવરણ બની રહ્યા બાદ અનેક ભાગોમાં હળવો વરસાદ થયો હતો. મુંબઈના ધારાવીમાં સવા ઈંચ વરસાદ થયો હતો. થાણે તથા પાલઘરમાં પણ થોડો વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આવતા બે દિવસે ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. મુંબઈ વેધશાળાએ જાહેર કર્યુ છે કે મહારાષ્ટ્રના અનેક ભાગોમાં જોરદાર પવન તથા ગાજવીજ સાથે વરસાદ પડયો હતો.