નિવાસી અધિક કલેકટરશ્રી મંડોરીએ પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્ર ખુલ્લુ મુકયુ
ગરવી તાકાત, મહેસાણા તા. 08 – આજરોજ ઇન્ચાર્જ નિવાસી અધિક કલેકટરશ્રી મંડોરીએ ખેડૂત તાલીમ કેન્દ્ર મહેસાણા ખાતે પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્ર ખુલ્લુ મુકયુ હતુ. મહેસાણા શહેરમાં હવે પ્રાકૃતિક કૃષિની પેદાશોનું સીધું જ ખેડૂતો દ્વારા વેચાણ કરવામાં આવશે. આત્મા પ્રોજેક્ટ મહેસાણા દ્વારા પ્રારંભ કરાયેલા પ્રાકૃતિક ખેતી પેદાશ વેચાણ કેન્દ્રમાં દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો પોતાના શાકભાજી ઉપરાંત અનાજો તેમજ કઠોળ અને વિવિધ તેલ પણ સીધા ગ્રાહકોને વેચાણ કરી શકશે.
જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો એ પોતાના દસ ઉપરાંત સ્ટોલ ઉભા કર્યા હતા. જેની ઉપસ્થિતોએ મુલાકાત લઈ માહિતી મેળવી હતી. ઊલેખનીય છે કે આત્મા મહેસાણા દ્વારા પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્ર, ખેડૂત તાલીમ કેન્દ્ર મહેસાણા ધોબીઘાટ, મહેસાણા ખાતે આજથી શરૂ થયેલ છે. જેમાં પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતો તેમણી પેદાશોનું સીધું વેચાણ કરવાના છે.
વેચાણ માટે આવેલાં ખેડૂતો પાસેથી ઝેરમુક્ત પેદાશોની સીધી ખરીદી કરીએ અને ગંભીર રોગોથી બચીએ એમ ઇન્ચાર્જ નિવાસી અધિક કલેકટરશ્રી મંડોરીએ જણાવેલ . હવે થી દર ગુરૂવારે , સમય : બપોરે ૩.૦૦ થી સાંજે ૭.૦૦ વાગ્યા સુધી પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્ર, ખેડૂત તાલીમ કેન્દ્ર મહેસાણા ધોબીઘાટ, મહેસાણા ખાતે ખેડૂતો પોતાના ઉત્પાદનો વેચી શકશે. મહેસાણા શહેરમાં લોકો તેનો લાભ લેશે .મહેસાણા જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો ખરીદવા ચાર કાયમી અને 10 હંગામી વેચાણ કેન્દ્ર છે.
આ પ્રસંગે મામલતદાર શ્રી ભગીરથસિંહ વાળા, મહેસાણાના પ્રોજેક્ટ નિયામક શ્રી એલ કે પટેલ, નાયબ ખેતી નિયામક વિસ્તરણ શૈલેષભાઈ પટેલ ,નાયબ ખેતી નિયામક આત્મા ગાંધીનગર શ્રી બી.એમ.પટેલ તેમજ શીતલ પટેલ અને બ્ર્હમા કુમારીશ્રીઓ , પ્રાકૃતિક ખેતી કરનારા ખેડૂત ભાઈ બહેનો તેમજ ગ્રાહકો ઉપસ્થિત રહ્યા હતા….
મહેસાણા જેવા મોટા શહેરમાં આ વેચાણ કેન્દ્ર કર્યું તે અમારા જેવા ખેડૂતો માટે બહુ લાભદાયક – ખેડૂત લવજીભાઈ ઠાકોર
છેલ્લા 14 વર્ષથી હું ખેતી કરું છું અને પ્રાકૃતિક ખેતીમાં જોડાયો ત્યારથી હું સારું ખાવ છું અને ખવડાવું છું તેનો મને આનંદ છે. સરકારે અમને મહેસાણા જેવા મોટા શહેરમાં આ વેચાણ કેન્દ્ર કર્યું તે અમારા જેવા ખેડૂતો માટે બહુ લાભદાયક છે આ શબ્દો છે વડનગર તાલુકાના સુંઢિયા ગામના ખેડૂત લવજીભાઈ ઠાકોરના. ઉલ્લેખનીય છે કે આજરોજ મહેસાણા શહેર ખાતે આત્મા મહેસાણા દ્વારા પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્ર નો પ્રારંભ કરવામાં આવ્યો છે. મહેસાણા શહેરમાં હવે દર ગુરુવારે બપોરે ત્રણ થી સાંજના સાત વાગ્યા સુધી પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્ર ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે ખેડૂતો પોતાના ઉત્પાદનોને સીધા ગ્રાહકો સાથે વેચી શકશે…..