મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં 15 માર્ચથી સિંચાઇ માટે નર્મદાનું પાણી નહીં મળે..

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત મહેસાણા : મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં સિંચાઇ માટે અપાતું પાણી 15મી માર્ચથી બંધ કરવાનો નિર્ણય નર્મદા વિભાગ દ્વારા કરાયો છે. જેના કારણે એરંડા, અજમો, વરિયાળી, ઘાસચારાના પાકને છેલ્લું પાણ નહીં મળતાં ઉત્પાદન પર અસર થવાની ચિંતા સાથે નર્મદાનું પાણી 31 માર્ચ સુધી ચાલુ રાખવા ખેડૂતોમાં માંગ ઊઠી છે. જોકે, નર્મદા વિભાગના સૂત્રો મુજબ, કેનાલો સાફ કરવાની કામગીરી સમય મર્યાદામાં પૂરી કરી શકાય તે માટે પાણી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.

નર્મદા યોજના નહેર વિભાગ દ્વારા મહેસાણા જિલ્લાના કડી, જોટાણા અને બહુચરાજી, પાટણ જિલ્લાના ચાણસ્મા, હારિજ, શંખેશ્વર, રાધનપુર, સાંતલપુર તાલુકામાં સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે. પરંતુ ચાલુ સામે નર્મદા ડેમમાં પાણીની ઉપલબ્ધતા ઓછી હોઇ સરકારના આદેશ મુજબ 15 માર્ચથી આગામી ઉનાળામાં નર્મદાની નહેરો દ્વારા સિંચાઈ માટે પાણી આપવામાં આવનાર નથી. જેને લઇ ખેડૂતોને નર્મદા આધારિત ઉનાળુ પાકની વાવણી નહીં કરવા સૂચના અપાઇ છે.

પાણી બંધ કરવાના નિર્ણય અંગે નારાજગી વ્યક્ત કરતાં ખેડૂતોએ જણાવ્યું કે, ગત વર્ષે તાલુકા-જિ.પં.ની ચૂંટણીઓને લઇ ડેમમાં ઓછું પાણી હોવા છતાં ઉનાળાની સિઝનમાં સિંચાઈ માટે પાણી અપાયું હતું. ત્યાર બાદ ચોમાસામાં વરસાદ ખેંચાયો ત્યારે પણ સિંચાઈ માટે પાણી છોડાયું હતું.

પરંતુ આ વર્ષે તો ડેમમાં ગત વર્ષ કરતાં પાણી વધુ હોવા છતાં બંધ કરવાનો નિર્ણય ખેડૂતો સાથે અન્યાયકર્તા છે. હાલમાં ઊભેલા પાકને એકાદ પાણની જરૂરિયાત હોઇ 31 માર્ચ સુધી પાણી ચાલુ રાખવું જોઇએ. નર્મદા વિભાગની દલીલ છે કે, ઓછા સમયના કારણે કેનાલોનું મરામત અને સફાઈકામ સમયસર નહીં થવાના કારણે ગત વર્ષે કેનાલો તૂટવાના કારણે ખેડૂતોના પાકને નુકસાનની ઘટનાઓ બની હતી, જેનું આ વર્ષે પુનરાવર્તન ન થાય તે માટે 15 માર્ચથી પાણી બંધ કરી જૂન સુધીમાં તમામ કેનાલોનું મરામત અને સફાઈકામ પૂરું કરવાનું આયોજન છે. જેને લઇ ઉનાળુ સિઝનમાં પણ પાણી બંધ રહેશે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.