દેશમાં ફરી મોદી મેજીક છવાયું છે. લોકસભા ચૂંટણીના પરિણામ બાદ પીએમ મોદી ફરીથી દેશના પીએમ બનવા જઈ રહ્યા છે. જોકે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી પદના શપથ લે તે પહેલા માતા હીરાબાના આશીર્વાદ લેવા માટે ગાંધીનગર આવી શકે છે.પ્રાપ્ત વિગતો મુજબ, પીએમ મોદી 26મી મે અથવા 29મી મેના રોજ ગુજરાત આવશે અને માતા હિરાબાના આશીર્વાદ લઈ શકે છે. માતા હિરાબાના આશીર્વાદ લીધા બાદ પીએમ મોદી પ્રધાનમંત્રી પદના શપથ લેશે તેવા અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, આજે સાંજે પીએમ મોદી કેબિનેટ બેઠક યોજવા જઈ રહ્યા છે.આ બેઠકમાં તમામ મંત્રીઓના રાજીનામા લેવાશે અને અંતે પીએમ મોદી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પોતાનું રાજીનામુ આપશે. ત્યારબાદ રાષ્ટ્રપતિ નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી પદના શપથ માટે આમંત્રણ આપશે. લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ એકવાર ફરી ઇતિહાસ રચી દીધો છે. લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ભાજપે 300નો આંકડો પાર કર્યો છે અને લોકસભા ચૂંટણી 2019માં પ્રચંડ જીત પ્રાપ્ત કરી છે.જો કે એક મળતાં અહેવાલ મુજબ વડાપ્રધાન મોદી 28મેના રોજ વારાણસીની મુલાકાતે જાય તેવી પણ શક્યતા છે. પીએમ મોદી વારાણીસી જઇ જનતાનો આભાર માનશે. જ્યારે પીએમ મોદી કાશી વિશ્વનાથ અને ગંગા નદીમાં પૂજા અર્ચના કરશે.

Contribute Your Support by Sharing this News: