— ૧૫૦ કરોડની છેતરપિંડી કરી ગુજરાત છોડી ભાગતાં કંપનીના માલિકને બ.કાં. એલસીબીએ ઝડપી પાડ્યો :
ગરવી તાકાત પાલનપુર : નડિયાદની માસ્ટર ડિજિટલ ટેકનોલોજી પ્રા.લિના નામે ૨૧ હજાર જેટલા લોકો સાથે ૧૫૦ કરોડ રૂપિયાની છેતરપિંડી કરી ગુજરાત છોડી ભાગતાં કંપનીના માલિકને બનાસકાંઠા એલસીબીની ટીમે બાતમી આધારે બનાસકાંઠા જિલ્લામાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બનાસકાંઠા જિલ્લા એલસીબી પી.આઇ ડી.આર.ગઢવી ના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.જે. દેસાઈ તથા સ્ટાફના માણસો ધાનેરા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી મળેલ કે માસ્ટર ડિજિટલ ટેકનોલોજી પ્રા.લિ.ના માલિક રાહુલ કુમાર નારણભાઈ વાઘેલા તેમની પત્ની તથા બાળકો સાથે ગુજરાત છોડી રાજસ્થાન તરફ જાય છે અને હાલમાં ડીસા ધાનેરા હાઈવે રોડ પર આવેલ હોટલ ઢાબા પર હાજર છે.
જે બાતમી આધારે ડીસા ધાનેરા હાઇવે રોડ પર આવેલ હોટલ ઉપર તપાસ કરતાં રાહુલ નારણભાઇ વાઘેલા રહે.યોગીનગર તા.નડિયાદ જિ.ખેડા તથા તેની પત્ની ગૌરીબેન રાહુલકુમાર વાઘેલા મળી આવતા પકડી પાડી નડિયાદ પોલીસનો સંપર્ક કરતા નડિયાદ રૂરલ પોલીસ મથકે તેની સામે છેતરપિંડીનો ગુનો દાખલ થયેલ હોવાનું જણાઈ આવ્યું હતું. જેમાં કુલ ૨૧ હજાર લોકો સાથે ૧૫૦ કરોડ રૂપિયાની છેતરપિંડી કરી પરિવાર સાથે ગુજરાત છોડી ભાગવાનું પ્લાનિંગ હોવાનું જાણવા મળતા ધરપકડ કરવામાં આવી હતી.
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર