નડીયાદ નજીક આવેલા બિલોદરા ગામમાં વર્ષ 2016 માં ભરવાડ અને દરબાર સમાજના લોકો વચ્ચે મારામારી થઈ હતી. તે દરમિયાન એક મહિલાનું મૃત્યુ થયું હતું. તો આ કેસમાં ચુકાદો આપતા નડીયાદ કોર્ટે 59 આરોપીઓને સજા ફટકારી છે. નડીયાદના બિલોદરા ગામમાં ભરવાડ અને દરબાર સમાજના લોકો વચ્ચે જમીન અને ચૂંટણી બાબતે તકરાર હતી. તે દરમ્યાન વર્ષ 2016માં ગામ નજીક આવેલા મંદિરે કેસરબેન નામના મહિલા દર્શન કરવા ગયા હતા. તે સમયે ગાડી પાર્કિંગ કરવા બાબતે ઝઘડો થયો હતો. ત્યારબાદ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ભરવાડ અને દરબાર સમાજના લોકો વચ્ચે મારામારી થઈ હતી, જેમાં પાઈપ વડે હુમલો કરતાં કેસરબેનને માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું મૃત્યુ થયું હતું. આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
આ કેસમાં નડીયાદ સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો છે, જેમાં ન્યાયાધીશ બી. આર. ભટ્ટની કોર્ટમાં સરકારી વકીલ પદ્માબેન દવે તેમ જ સરકારી વકીલ પ્રેમ તિવારીની દલીલોને ગ્રાહ્ય રાખી 59 વ્યક્તિઓને દોષિત ઠેરવવામાં આવ્યા છે. તો 44 વ્યક્તિઓને 10 વર્ષ કેદની સજા તેમ જ 15 વ્યક્તિઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. તમામ આરોપીઓને નડિયાદમાં આવેલી બિલોદરા જેલ મોકલવામાં આવ્યા છે. એકસાથે ગામના 59 વ્યક્તિઓને સજા થતાં સમગ્ર બિલોદરા ગામમાં સન્નાટો ફેલાયો હતો.