મહેસાણા તાલુકાના મેવડ ગામે ચૌધરી પરિવારનું મુસ્લિમ પરિવારે મામેરુ ભરી હિન્દુ મુસ્લિમના ભાઇચારાની વધુ એક મીશાલ
આ અગાઉ પણ ગુજરાત સહિત મહેસાણા જિલ્લામાં હિન્દુ પરિવારે મુસ્લિમ દિકરીઓના મામેરા ભર્યા હોવાના પણ દાખલા છે
ગરવી તાકાત, મહેસાણા તા. 08 – મહેસાણા મેવડ ગામે એખલાસનું ઉદાહરણ બન્યું છે. જેમાં મુસ્લિમ પરિવારે હિન્દુ દીકરીના લગ્નમાં મામેરું કર્યું છે. કડી તાલુકાના ભટાસણ ગામના મુસ્લિમ પરિવારે મેવડના ચૌધરી પરિવારની દિકરીનું રુપિયા પાંચ લાખનું મામેરુ ભરી પોતાનો ભાઇ હોવાનો ધર્મ મુસ્લિમ ભાઇએ નિભાવ્યોં હતો. તો સામે મહેસાણા તાલુકાના મેવડ ગામના પારસંગભાઇ ચૌધરી ધર્મ પત્નીને પોતાની બહેન બનાવેલ છે. ત્યારે પારસંગભાઇ ચૌધરીની સુપુત્રીનું લગ્નપ્રસંગ હોવાથી ભટાસણથી 300થી વધુ સંખ્યામાં મુસ્લિમ ભાઇઓ બહેનો હાજર રહી પોતાના ભાઇ તરીકેની ફરજ અદા કરતાં હિન્દુ મુસ્લિમની આ એકતા અને એખલાસને જોઇને સૌ કોઇમાં આનંદની લાગણી જોવા મળી હતી.
ભટાસણના મુસ્લિમ પરિવારે મામેરામાં પાંચ લાખની રોકડ તેમજ કપડા આપ્યા હતા. મુસ્લિમ પરિવારના મામેરાને ચૌધરી પરિવારે હોંશથી વધાવ્યું છે. મહત્વનું એ પણ બાબત છે કે આ અગાઉ પણ અનેક હિન્દુ બહેનોનું મામેરુ ભર્યુ હોવાના અનેક દાખલા છે તો બીજી તરફ હિન્દુ ભાઇઓએ પણ અનેક મુસ્લિમ બિરાદરો બહેનોના મામેરા ભર્યા હોવાના ગુજરાત સહિત દેશમાં આવા નેક અનેક ઉદાહરણો છે જે હિન્દુ મુસ્લિમના ભાઇચારામાં ચાર ચાંદ લગાવે છે.
મહત્વનું છે કે આ અગાઉ મહેસાણા તાલુકાના વિસનગરમાં કોમી એકતાનું એક અનોખું ઉદાહરણ સામે આવ્યું હતું. અહીં મુસ્લિમ દીકરીનું હિન્દુ પરિવારે મામેરું ભરીને અનોખી પહેલ કરી હતી. ખેરાલુ તાલુકાના ઉણાદ ગામના ચૌધરી પરિવારે મુસ્લિમ દીકરીનું મામેરું ભર્યું હતું. ઉણાદ ગામમાં છેલ્લા 20 વર્ષથી મનસુરી યુનુસભાઈનો પરિવાર વસવાટ કરે છે. યુનુસભાઈની દીકરી શબાનાના લગ્ન પ્રસંગે ચૌધરી નરેન્દ્ર વિરસંગભાઈના પરિવારે 1.11 લાખનું મામેરું ભર્યું હતું. શબાનાને મામા ન હોવાથી નરેન્દ્રભાઈ ચૌધરીને નાનપણથી જ મામા કહેતી હતી. નરેન્દ્રભાઈ ચૌધરીએ દીકરીના લગ્ન પ્રસંગે મામેરું ભરી મામાની ફરજ નિભાવી હતી. વિસનગર હરિહર સેવા મંડળ ખાતે યોજાયેલા લગ્નમાં કોમી એકતાનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું હતું.