— દેશમાં ભાઈચારો અને કોમી એકતા બની રહે અને દેશ આગળ વધે તેવી દુઆ કરાઈ :
ગરવી તાકાત પાલનપુર : બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર ખાતે ઇદ-ઉલ-અઝહાની કોમી એખલાસ વચ્ચે ઉજવણી કરાઈ હતી. ઈદગાહ ખાતે મુસ્લિમ ભાઈઓએ ઈદની નમાજ અદા કરી એકબીજાને ગળે મળ્યા હતા અને ઈદની મુબારક બાદ પાઠવી હતી. મુસ્લિમ સમાજમાં આ તહેવારને બકરા ઇદ, ઇદ-ઉલ-અઝહા અથવા તો ઇદ ઉલ જુહા તરીકે ઉજવવામાં આવે છે. બકરી ઇદ રમજાનનો પવિત્ર મહિનો સમાપ્ત થવાના લગભગ ૭૦ દિવસો બાદ મનાવવામાં આવે છે. બકરી ઇદ પર કુરબાની આપવામાં આવે છે અને મીઠી ઇદ બાદ આ ઇસ્લામ ધર્મનો મુખ્ય તહેવાર હોય છે. બકરી ઇદ ફર્ઝ-એ-કુર્બાનીનો દિવસ તરીકે મનાવવામાં આવે છે.
ઇસ્લામમાં મુસ્લિમો અને ગરીબોનું ખાસ ધ્યાન રાખવાની પરંપરા છે. આ કારણથી બકરી ઇદ પર ગરીબોનું વિશેષ ધ્યાન રાખી આ દિવસે કુર્બાની આપ્યા બાદ ગોશ્તના ત્રણ ભાગ કરવામાં આવે છે. આ ત્રણ ભાગમાં પોતાના માટે એક ભાગ રાખવામાં આવે છે અને બાકીના બે ભાગ ગરીબ અને જરૂરતમંદોમાં વહેંચી દેવામાં આવે છે. જેના મારફતે મુસ્લિમ લોકો પેગામ આપે છે કે તેઓ પોતાના હૃદયથી નજીકની વસ્તુ પણ બીજાની ખુશીઓ માટે અલ્લાહની રાહમાં કુરબાન કરી દે છે.
આજના દિવસે હજરત ઇબ્રાહિમ અલય સલ્લામએ પોતાના દિકરા હજરત ઇસ્માઇલને આ દિવસે ખુદાના હુકમ પર ખુદાની રાહમાં કુરબાન કરવા જતાં ખુદાએ ફરીશતોને મોકલી દીકરાની જગ્યાએ દુમ્બાને મૂકી દીધો હતો જેથી દુમ્બો કુરબાન થયો હતો તેમની યાદમાં ઇદ-ઉલ-અઝહા મનાવવામાં આવે છે. શહેર કાઝીએ સર્વ સમાજને ઈદ મુબારક પાઠવી કહ્યું કે આજે મુસ્લિમ સમાજના લોકો ઇદ-ઉલ-અઝહાનો તહેવાર મનાવી રહ્યા છે.
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર