ગરવીતાકાત,ઉના: ઉનાના નવાબંદર રોડ પર આવેલા રામપરાના ખારા વિસ્તારમાં રહેતા રમેશ ભગાભાઇ સોલંકી નામના યુવાનની અજાણ્યા શખ્સો દ્વારા મોડી રાત્રે હત્યા કરવામાં આવી હતી. પથ્થરોના ઘા મારી હત્યા કરવામાં આવી હતી. હત્યા બાદ કાર પાછળ બાંધી 200 મીટર ઢસડી લાશને ફેંકી દીધી હતી. હત્યા પાછળ યુવાને ધર્મ પરિવર્તન કરી મુસ્લિમ યુવતી સાથે લગ્ન કરવાની ઇચ્છા હતી. આથી અજાણ્યા શખ્સોએ તેની હત્યા કરી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

હોસ્પિટલમાં પરિવારજનોએ પોલીસ વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યા: યુવાનના મૃતદેહને સરકારી હોસ્પિટલમાં પીએમ માટે લઇ જવાયો હતો. બાદમાં પરિવારજનો સહિત મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલે દોડી ગયા હતા અને હોસ્પિટલના પટાંગણમાં બેસી ઉના પોલીસ હાય હાયના નારા લગાવ્યા હતા. તેમજ મહિલાઓએ છાજીયા લીધા હતા. હોસ્પિટલ બહાર રસ્તા પર લોકો આવી ચક્કાજમ કર્યો હતો. આથી પોલીસ દોડી આવી હતી.

હત્યા પહેલાનો યુવાનનો વીડિયો વાઇરલ: આજે સવારે લોહીલૂહાણ હાલતમાં લાશ મળી આવતા લોકોના ટોળા ઉમટ્યા હતા અને પોલીસને જાણ થતા ઘટનાસ્થળે દોડી આવી મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસ અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે. હત્યા પહેલા આ યુવાનનો એક વીડિયો વાઇરલ થયો છે. જેમાં તે બોલી રહ્યો છે કે, મારે હવે મુસ્લિમ ધર્મ પાળવો છે અને મુસ્લિમ ધર્મની સારામાં સારી છોકરી સાથે લગ્ન કરવા છે અને હું અનુભવી છું. જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે અનુભવી. આ યુવાન માછીમારી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો.

Contribute Your Support by Sharing this News: