મુન્દ્રા ડ્રગ્સ પ્રકરણની તપાસ કરી રહેલી નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સીની ટીમ ફરી બે દિવસ પહેલા કચ્છ આવી પહોંચી હતી. અફઘાનિસ્તાનથી જે પાર્ટીએ ડ્રગ્સ નો મોટો જથ્થો મુન્દ્રા મોકલ્યો હતો, એજ પાર્ટીએ અગાઉ વધુ એક કન્ટેનર મુન્દ્રા મોકલ્યું હોવાનું અને તે કેટલાક ડિસ્પ્યુટને પગલે હજી મુન્દ્રાના સીએસએફ માંજ પડ્યું હોવાથી તેની તપાસ માટે આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. કન્ટેનરની તપાસમાં જાહેર કરેલી ખજૂર સિવાય શંકાસ્પદ કશું મળ્યું ન હોવાનું જાણવા મળે છે.
ગત મહિને દેશભરમાં ચકચાર જગાવનાર અધધ ત્રણ હજાર કિલો હેરોઇન નો જથ્થો ટેલકમ પાવડર હોવાનું જાહેર કરી અફઘાનિસ્તાનથી વાયા ઈરાન બંદરે મુન્દ્રા પોર્ટ પર આવી પહોંચ્યું હતું. 21 હજાર કરોડની કિંમતના મનાતા આ જથ્થાને ડીઆરઆઈએ ઝડપી પાડ્યું હતું. જેની તપાસ હાલ એનઆઈએ ચલાવી રહી છે. તપાસમાં ખુલ્યું કે આ ડ્રગ્સનો જથ્થો અફઘાનિસ્તાનની હસન હુસૈન કંપનીએ મોકલ્યો હતો. અને આજ કંપનીએ આ વર્ષના માર્ચ મહિનામાં વધુ એક કન્ટેનર મુન્દ્રા મોકલ્યું હતું, જેમાં ખજૂર હોવાનું ડીક્લેરેશન હતું.
આ કન્ટેનર કેટલાક કારણોસર મુન્દ્રા પોર્ટ પર અટકી જતા આગળ નહતું વધી શક્યું અને હજી પણ આશુતોષ સીએસએફમા પડેલું હતું. એનઆઈએને આની જાણ થતા અમદાવાદ થી વિશેષ ટીમ કચ્છ આવી પહોંચી હતી અને મુદ્રાના તે કન્ટેનરની તપાસ કરી હતી. સૂત્રોએ જણાવ્યું કે તેમાં જાહેર કરેલા ખજૂરનોજ જથ્થો મળી આવ્યો હતો. તેના ના ઉપાડવા પાછળ વધુ ડેમરેજ જવાબદાર હોવાની શંકાએ સૂત્રોએ વ્યકત કરી હતી. નોંધવું રહ્યું કે અગાઉ એનઆઈએ ડ્રગ્સ પ્રકરણમા આયાતકાર દંપતી, મુખ્ય વ્યક્તિ અને એક અફઘાની નાગરિક ને પકડી ને અમદાવાદમા રિમાન્ડ મેળવી ચૂકી છે. કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખી તેની બહુઆયામી તપાસ કરવામાં આવી રહી છે.
(એજન્સી)