ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં થોડા સમય પહેલા થયેલી ત્રણ હત્યાનો હત્યારાને શોધવા અમદાવાદ ક્રાઈમબ્રાન્ચ, એસઓજી, ગાંધીનગર પોલીસ અને એટીએસની ટીમો આકાશ પાતાળ એક કરી છતાં પકડી શકી નથી. સિરિયલ કિલર ગાંધીનગર જિલ્લામાં કાળો કહેર મચાવી અંડરગ્રાઉન્ડ થઈ ગયો છે. ત્યારે તે મુંબઈમાં હોવાની શક્યતા સેવવામાં આવી રહી છે. મુંબઈની લોકલ ટ્રેનમાં બે મહિલાઓની હત્યા ગાંધીનગરમાં થયેલી હત્યાની મોડેસ ઓપરેટિંગ જેવી જ હોઈ જે કેસને લઈ મુંબઈ પોલીસ ગાંધીનગર આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતમાં થોડા સમયથી કાયદો ને વ્યવસ્થા કથડતા રાજ્ય પોલીસ અધિકારીએ અન્ય જિલ્લાના પોલીસ અધિકારીઓ સાથે તાજેતરમાં ગાંધીનગરમાં કાયદોને વ્યવસ્થાને લઈને બેઠક બોલાવી હતી જેમાં ભાવનગરના એસપી અને ગાંધીનગરના એસપીને ખાસ સૂચનો કરી તાકીદે પકડી પાડવા આદેશ કર્યો હતો. રાજ્યના પાટનગર સિરિયલ કિલરે ફાયરિંગ કરી એક બાદ એક ત્રણ હત્યાને અંજામ આપ્યો હતો. અડાલજના એક પાર્લર પર સીસીટીવીમાં ઝડપાયો હતો. તેમ છતાં પકડાયો નથી અને તે મુંબઈ જેવા શહેરમાં છૂપાઈને રહેતો હોય તેવું પોલીસ અનુમાન લગાવી રહી છે. ત્યારે મુંબઈમાં બે મહિલાઓની લોકલ ટ્રેનમાં હત્યા કરનાર શંકાસ્પદ સીસીટીવીમાં ઝડપાયો હતો.શંકાસ્પદનો ચહેરો ગાંધીનગરના સિરિયલ કિલરને મળતો આવતો હોવાથી તપાસ કરતા અધિકારીઓની મુલાકાત કરી ચર્ચા કરી હતી. ગાંધીનગર પોલીસ માટે પડકાર બનેલો સિરિયલ કિલિંગનો કેસ મુંબઈ પોલીસ ગાંધીનગર આવતા એક આશાનું કિરણ જન્મ્યું છે. જોકે પાટનગરવાસીઓમાં ડરનો માહોલ જન્માવનાર સિરિયલ કિલર ક્યારે ઝડપાશે એ મોટો સવાલ બન્યો છે. હત્યાઓને ચાર માસ કરતાં વધારે સમયમાં પણ તે પકડાયો નથી. ગાંધીનગર પોલીસ સિવાય અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને એટીએસ તપાસ કરી રહી છે. હજુ સુધી તેનું પગેરુ શોધવામાં પોલીસ અંધારામાં ફાંફાં મારી રહી હોય તેમ સિરિયલ કિલરને પકડવામાં સફળ રહી નથી.

Contribute Your Support by Sharing this News: