72 વર્ષના માલધારીને એક સપ્તાહથી તાવ આવતો હતો, અમદાવાદ સિવિલમાં સારવાર દરમિયાન મોત જિલ્લા આરોગ્ય અને પશુપાલન વિભાગના ગામમાં ધામા, આખા ગામમાં ઇતરડી મારવા દવાનો છંટકાવ કરાયો

મહેસાણાઃ ખેરાલુ તાલુકાના વઘવાડી ગામે 72 વર્ષના પશુપાલકનું ઇતરડીને કારણે ફેલાતા કોંગોફીવર નામના રોગથી મોત થયાનું પ્રકાશમાં આવતાં જિલ્લા આરોગ્ય અને પશુપાલન વિભાગે ગુરુવારે સવારથી ગામમાં ધામા નાખી સર્વે કામગીરી સાથે ઇતરડી મારવા દવાનો છંટકાવ કર્યો હતો.જિલ્લામાં કોંગોફીવરથી મોતનો આ પ્રથમ બનાવ છે.

વઘવાડી ગામના પશુપાલક સોમાભાઇ માણકાભાઇ રબારીને એક સપ્તાહથી તાવ આવતો હોઇ સ્થાનિક તબીબની સારવાર લીધી હતી, પરંતુ કોઇ ફેર ના પડતાં વિસનગર લઇ જવાયા હતા. પરંતુ અહીં તબિયત લથડતાં અમદાવાદ સિવિલમાં ખસેડાયેલા સોમાભાઇનું બુધવારે રાત્રે મોત થયું હતું. પશુપાલકના મોતને પગલે ગુરુવારે જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. વિષ્ણુભાઇ પટેલ, પશુપાલન અધિકારી ભરતભાઇ સ્ટાફ સાથે ગામમાં દોડી જઇ સર્વે કામગીરી કરી હતી. તાવની અસર જણાતાં દર્દીઓને તાત્કાલિક સારવાર અપાઇ હતી અને ઇતરડીઓને મારવા આખા ગામમાં દવાનો છંટકાવ કરાયો હતો. આ સંબંધે જિ. પં.પ્રમુખ શીલાબેન પટેલ સાથે ચર્ચા કરી હતી.

શંકાસ્પદ મોત છે: તંત્ર 
શંકાસ્પદ કોંગોનો રિપોર્ટ અમદાવાદ સિવિલમાંથી આવ્યો છે. આરોગ્ય અને પશુપાલનની ટીમોએ ઇતરડીનો નાશ કરવા ઢોર, વાડા અને મકાનોની તિરાડોમાં દવાનો છંટકાવ કર્યો હતો. રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાશે. – ડો. વિષ્ણુ પટેલ, જિ.આરોગ્ય અધિકારી

ઇતરડીની દવા મફત મળે
ઇતરડી મારવાની દવા ગામની ડેરીમાં મફત મળે છે. પરંતુ સજાગતાના અભાવે કોઇ લેતું નહોતું. પરંતુ આ ઘટનાથી શીખ મળી છે. ઇતરડી મારવા દવાનો છટકાવ જરૂરી છે. સોમાભાઇ રબારી 12 ઢોર રાખતા હતા. વાયરલયુક્ત ઇતરડીના ડંખથી તાવમાં તેમનું મોત થયું છે. – ઉર્મિલાબેન અભેરાજભાઇ ચૌધરી, સરપંચ

ઇતરડી કરડતાં થાય છે આ રોગ
આ રીતે ફેલાય છેઃ 
પશુઓની ચામડી પર ચોંટેલા હિમોરલ નામના પરજીવી રોગનું વાહક છે. ગાય, ભેંસ, બકરી, શ્વાન વગેરેના સંપર્કમાં રહેતા માલધારીઓ, પશુપાલકોને આ રોગ થવાની શકયતા વધુ રહે છે. 

લક્ષણોઃ આ ખતરનાક વાયરસ શરીરમાં તાવ લાવે છે. સાથે માંસપેશીઓમાં દર્દ, પીઠમાં દર્દ, માથામાં દુ:ખાવો થાય. દર્દીને ચક્કર પણ આવે છે. આંખોમાં બળતરા થાય અને ગળુ બેસી જાય. શરીરમાં લોહીનું પરિભ્રમણ વધતાં અને શરીરના વિવિધ અંગ એક સાથે કામ કરવાનું બંધ કરી દેતાં દર્દીનું મોત નીપજે છે. આવી બીમારીના સંપર્કમાં આવનારા વ્યક્તિઓના મોતની શકયતા ઘણી વધી જાય છે. એક વખત સંક્રમીત થયા બાદ તેને પૂરી રીતે શરીરમાં ફેલાતા ત્રણથી નવ દિવસનો સમય લાગે છે.

આ સાવચેતી રાખી શકાય…
પશુપાલકોએ સમયાંતરે ઇતરડી મારવાની દવાનો છંટકાવ કરી પશુના શરીરે ચોંટેલી ઇતરડીનો નાશ કરવો જોઇએ તેમજ જ્યાં બાંધીએ ત્યાં સ્વચ્છતા રાખવી જરૂરી છે.