– કાંકરેજમાં વહેલી સવારે ભૂસ્તર તંત્રની ટીમ ત્રાટકી
– રાનેર, બુકોલી અને અરણીવાડા બનાસ નદીમાં ખનન કરતા પાંચ હીટાચી મશીન જપ્ત કર્યા
ગરવી તાકાત કાંકરેજ : બનાસકાંઠા જિલ્લા ભૂસ્તર તંત્રની ટીમે વહેલી પરોઢે કાંકરેજ તાલુકામાં ઓચિંતો છાપો મારીને ત્રણ ગામની સીમમાં પસાર થતી બનાસ નદીના પટમાં બિન અધિકૃત ખનન અને ખનીજ ચોરીના રેકેટનો પર્દાફાશ કરી પાંચ હિટાચી મશીન છ ડમ્પર મળી કુલ રૃ.૩.૬૦ કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
બનાસકાંઠા જિલ્લા માં ડીસા અને કાંકરેજ તાલુકામાં પસાર થતી બનાસ નદીના પટમાં ખનીજચોરો દ્રારા ખનન અને ખનીજ ચોરીનું રેકેટ ચાલી રહ્યું હોય જિલ્લા ભૂસ્તર શાી શુભાષ જોશી દ્રારા અનેક વાર વિવિધ સ્થળે દરોડા પાડી તેમજ વિવિધ નિજ નવા નુસખા અજમાવી ને મોટા પાયે ખનીજ ચોરી ઝડપી પાડવામાં આવી રહી છે.
દરમિયાન કાંકરેજ તાલુકાના રાનેર, બુકોલી અને અરણીવાડા ગામની સીમમાં પસાર થતી બનાસ નદી ના પટ માં ખનીજ ચોરો દ્રારા મોટા પાયે બીનઅધિકૃત ખનન અને ખનીજ ચોરી કરવામાં આવી રહી હોવાની બતમીમાં આધારે જિલ્લા ભૂસ્તર શાી શુભાષ જોશીએ મંગળવારે તેમની ટીમ સાથે કાંકરેજ તાલુકામાં ઓપરેશન હાથ ધરી સાડા ત્રણ કિલોમીટર પગપાળા ચાલી ને ખનન કરતા પાંચ હિટાચી મશીન,રેતી ભરેલા બે અને રેત ભરવા આવેલ ચાર મળી કુલ છ ડંપર સહિત રૃ.૩.૬૦ કરોડ નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવતા ખનીજ ચોરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.
તસ્વીર અને અહેવાલ– ગોવિનભાઈ ચૌધરી– કાંકરેજ