મિ. આરોગ્ય મંત્રી, હાંફતી મહેસાણા સિવિલના શ્વાસ થંભી જાય તે પહેલા ચમત્કાર કરો, ??

શેર કરવા અહીં ક્લિક કરો.

— ગંદકીથી ખદબદતી સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સેવાનો સદંતર અભાવ :

— હોસ્પિટલમાં icu સેન્ટર સહિત મહત્વની સેવા નથી મળતી, કોંગ્રેસનો આક્ષેપ :

— આરોગ્યમંત્રી ઘટતી કાર્યવાહી નહીં કરે તો કોંગ્રેસના કાર્યકરો જન આંદોલન કરશે :

ગરવી તાકાત મહેસાણા :   રાજ્યનો મહત્વનો વિસ્તાર એટલે. ઉત્તર ગુજરાતની વાત આવે એટલે અહીંનું મહત્વનું શહેર મહેસાણા ખાસ યાદ આવે. આવે પણ કેમ નહીં, કારણકે મહેસાણા જિલ્લો એટલે રાજ્યના રાજકારણની લેબોરેટરી ગણાય છે. અહીંથી રાજ્યની વિધાનસભા, દેશની સંસદ સભા અને સહકારી ક્ષેત્રના માળખામાં મહેસાણા જિલ્લાનું પ્રતિનિધિત્વ ન હોય તે અસંભવ છે. રાજ્ય સરકારમાં મહેસાણાના ધારાસભ્ય નીતિન પટેલ નાયબ મુખ્યમંત્રીથી લઈ અનેક મહત્વનું પદ શોભાવી ચૂક્યા છે.

વર્તમાન સમયમાં પણ વિસનગરના ધારાસભ્ય ઋષિકેષ પટેલ મહત્વનું આરોગ્ય મંત્રી પદ શોભાવી રહ્યા છે. જે ઉત્તર ગુજરાત માટે અને એમાં પણ ખાસ કરીને મહેસાણા જિલ્લાના વતનીઓની છાતી ગજ ગજ ફૂલી જાય તેવી ગૌરવવંતી અને ગર્વવંતી બાબત છે.

રાજ્યની વિધાનસભા અને સહકારી ક્ષેત્રમાં મહત્વના હોદ્દા ઉપર મહેસાણા જિલ્લાના મૂળ વતનીઓ બિરાજમાન છે. પરંતુ ખાટલે મોટી ખોટ એ કહી શકાય કે આમાંના અમુક લોકોએ મહેસાણા શહેર તેમજ જિલ્લાનો જે પ્રમાણે વિકાસ સાધવો જોઈએ તેવો વિકાસ સાધી શકવા માટે પ્રયાસ સુધ્ધાં કર્યા નથી, તેવી લાગ ણી જનતા અનુભવી રહી છે. તાજેતરમાં મહેસાણા જિલ્લા કોંગ્રેસ કમિટીના યુવા સભ્યોએ જિલ્લાની એકમાત્ર સિવિલ હોસ્પિટલ ખખડધજ બિલ્ડિંગમાં જાણે ક્ષયની બીમારી થઇ હોય તે રીતે ડૂચકા ખાતા શ્વાસ લઈ હાંફતી- હાંફતી ચાલી રહી છે.

તેવી લાગણી અનુભવી સિવિલ હોસ્પિટલના જર્જરિત બિલ્ડીંગ, ગંદકી તેમજ icu સહિતની અનેકવિધ આરોગ્ય સેવાના અભાવ સામે નારાજગી વ્યક્ત કરી વિસનગરના ધારાસભ્ય અને રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ પ્રતિ પોતાનો રોષ ઠાલવ્યો છે. કોંગ્રેસના યુવા નેતાઓએ મહેસાણા સિવિલ હોસ્પિટલની હાલત નહીં સુધારવામાં આવે તો જનતા હિતાર્થે રાજ્ય સરકાર સામે જન આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી છે.

— કોંગ્રેસે સિવિલ હોસ્પિટલ આપી, ભાજપે માત્ર ટ્રોમા સેન્ટર આપ્યું : જયદીપસિંહ ડાભી (પૂર્વ પાલિકા પ્રમુખ) 

મહેસાણા સિવિલ હોસ્પિટલ અંગે અહીંના લડાયક મિજાજના કોંગી આગેવાન અને પાલિકાના પૂર્વ પ્રમુખ જયદીપસિંહ ડાભીએ કહ્યું હતું કે, વર્ષો અગાઉ મહેસાણા શહેર તેમજ જિલ્લાની જનતાને સુદ્રઢ અને તંદુરસ્ત આરોગ્ય સેવા મળી રહે તે માટે કોંગ્રેસની સરકારે સિવિલ હોસ્પિટલનું નિર્માણ કર્યું છે. જેમાં વર્ષો સુધી જિલ્લાની ગરીબ તેમજ મધ્યમ વર્ગની પ્રજાને આરોગ્ય સેવા આપવામાં આવે છે.

પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી રાજ્યમાં શાસન કરતી ભાજપની સરકાર ગરીબ તેમજ મધ્યમ વર્ગના દર્દીઓના દર્દને નાબૂદ કરી શકે તેવી આરોગ્ય સેવા ઝુંટવી લીધી છે. ભાજપ સરકારે માત્ર ટ્રોમા સેન્ટર બનાવી પોતાની પીઠ જાતે જ થાબડી પ્રશંસા મેળવી રહી છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે તાકીદના સમયે દર્દથી કણસતા લોકોને પુરતી આરોગ્ય સેવા અહીં મળતી નથી. જેથી લોકોને લાયન્સ હોસ્પિટલમાં સારવાર લેવા માટે જવું પડે છે. જો સિવિલ હોસ્પિટલ પૂરતી સારવાર ન આપી શકતી હોય તો આ હોસ્પિટલનું કામ જ શું છે? તેવો વેધક પ્રશ્ન પણ કર્યો હતો.

— સિવિલમાં સારવારના અભાવે અનેક લોકો મૃત્યુને ભેટ્યા, લાયન્સ હોસ્પિ. આશીર્વાદરૂપ: ડૉ. મેઘા પટેલ ( મહિલા કોંગ્રેસ પ્રમુખ)

મહેસાણા સિવિલ હોસ્પિટલ અંગે પોતાની તીખી પ્રતિક્રિયા આપતા મહિલા કોંગ્રેસના શહેર પ્રમુખ ડૉ. મેઘા પટેલે કહ્યું હતું કે, નીતીનભાઇ પટેલથી લઈ વર્તમાન વિસનગરના ધારાસભ્ય ઋષિકેષ પટેલ રાજ્યના આરોગ્યમંત્રી છે. પરંતુ જિલ્લાની સૌથી મોટી અને મહત્વની સિવિલ હોસ્પિટલમાં કોઈને અકસ્માતના સમયે તાકીદે સારવાર જોઈતી હોય તો તે મળી શકતી નથી. હોસ્પિટલમાં અસ્થિભંગની ઇજા પામેલા લોકો માટે ઓર્થોપેડિક ડોક્ટર પણ નથી. તેઓએ ઉમેર્યુ હતું કે હું પોતે તબીબ છું એટલે ગરીબ અને મધ્યમ વર્ગના બીમાર લોકોની વ્યથા સમજી શકું છું.

સિવિલ હોસ્પિટલમાં ગરીબ તેમજ મધ્યમ વર્ગના દર્દીઓને પૂરતી સારવાર મળતી નથી. જેથી તેઓને લાયન્સ હોસ્પિટલનો સહારો લેવો પડે છે અને આ હોસ્પિટલ સંસ્થાથી ચાલતી હોઇ ખૂબ જ ઓછા ખર્ચમાં લોકોને સારવાર મળી રહે છે. રાજ્યના મંત્રીમંડળમાં આરોગ્ય મંત્રી મહેસાણા જિલ્લાના રહ્યા છે, છતાં સિવિલ હોસ્પિટલ માં તંદુરસ્ત સારવાર લોકોને મળી રહે તે માટે કોઈ જ આયોજન કે તેમની વાહવાહી કરી શકાય તેવી કામગીરી કરવામાં આવી નથી. તેઓએ મહત્વની વાત કરતાં કહ્યું કે, હોસ્પિટલનું બાંધકામ જર્જરિત છે તે ચલાવી લેવાય પરંતુ આરોગ્ય સેવા સાવ ખખડી ગઈ છે તે ચલાવી લેવાય તેમ નથી.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.