ગરવીતાકાત,વલસાડ 

વલસાડ :વલસાડ જિલ્લાના ઉમરગામમાં એવો કિસ્સો સામે આવ્યો કે, જન્મ આપનારી જનની જ હત્યારી બની છે. નવજાત જન્મેલી બાળકીની તેની માતાએ જ ઠંડે કલેજે હત્યા કરી હતી. ઉમરગામ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પુત્રી જન્મના ચાર કલાક બાદ તેનું મોત નિપજ્યું હતું. બાળકીનો જન્મ થયાના 4 કલાક બાદ મોત થયા હોવાનું ડોકટરને શંકા જતા પોલીસને જાણ કરાઈ હતી. જેમાં માતાએ બાળકીનું ગળું દબાવી હત્યા કરાયું હોવાનું અનુમાન સાચુ નીકળ્યું હતું. ઉમરગામ પોલીસે માતા પર હત્યાનો ગુનો દાખલ કરી ધરપકડ કરી છે. ત્યારે ત્રણ દીકરી બાદ ફરી ચોથી દીકરી જન્મતા માતાએ આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.

ઉંમરગામના સાકેત નગર ખાતે યુપીથી આવેલો પરિવાર રહે છે. ત્યારે આ પરિવારની મહિલા ગર્ભવતી હોવાછી તેને ઉંમરગામના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે મહિલાએ તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો હતો. પરંતુ જન્મના ચાર કલાકમાં જ બાળકીનું મોત થયું હતું. બાળકી એકદમ સ્વસ્થ હોવા છતા તેનુ મોત કેવી રીતે થયું તે મામલે તબીબો તથા હોસ્પિટલનો સ્ટાફ પણ મૂંઝવણમાં મૂકાયો હતો. ત્યારે હાજર તબીબે બાળકીને ચેક કરતા  તેના ગળાના ભાગ પર લાલાશ પડતા નિશાન જોવા મળ્યા હતા. ડોક્ટરને માતા પર શંકા જતા તેમણે તાત્કાલિક પોલીસ બોલાવી હતી.

બાળકીની લાશને પીએમ માટે સુરત સિવિલમાં મોકલાઈ હતી. જ્યાં પોસ્ટમોર્ટમ બાદ સામે આવ્યું હતું કે, બાળકીનું ગળુ રુંધવાથી તેનું મોત નિપજ્યું છે. ત્યારે ઉંમરગામ પોલીસે બાળકીની માતા અનિતાદેવી ડિમ્પલ બિંદની ધરપકડ કરવામાં આવી હતી. કડક પૂછપરછ બાદ માતાએ તેણે કબૂલ્યું હતું કે, બાળકીના નાક, હોઠ અને ગળા પર કંઈક ચોટેલું જણાતા તેણે તે કાપડથી લૂંછ્યું હતું. જોકે, પોલીસને માતા પર શંકા જતા અનિતાદેવી સામે હત્યાનો ગુનો નોંધ્યો છે.