ટ્રકમાં ભરેલ વેસ્ટ પ્લાસ્ટીક કટ્ટાની આડમાં લવાતો રૂ.૧૭ લાખથી વધુના દારૂ ઝડપાયો

શેર કરવા અહીં ક્લિક કરો.

— હોળી-ધુળેટી પર્વ પૂર્વે રાજયમાં દારૂ ઘુસાડવાનું કાવતરૂ ઝડપાયું

— શામળાજી પોલીસે ચાલકની અટક કરી રૂ.૨૭,૧૮,૦૦૦નો મુદૃામાલ કબ્જે લીધો ઃ ત્રણ શખ્સો વિરુદ્વ ગુનો નોંધ્યો

ગરવી તાકાત મોડાસા: ગુજરાત-રાજસ્થાન બોર્ડરની અણસોલ પોલીસ ચેક પોસ્ટેથી પસાર થતી ટ્રકના ગુપ્તખાનામાંથી રૂ.૧૭,૧૬,૦૦૦ ની કિંમતનો વિદેશી દારુનો મોટો જથ્થો ઝડપાયો હતો. ટ્રકમાં ભરેલ વેસ્ટ પ્લાસ્ટીકના કટૃાની આડમાં છુપાવી રાજયમાં ઘુસાડવામાં આવતી વિદેશી દારુની ૧૩૯૨૦ બોટલ, ટીનનો જથ્થા સાથે ચાલકને ઝડપી લઈ શામળાજી પોલીસે કાવતરાનો પર્દાફાશ કર્યો હતો.  કુલ રૂ.૨૭,૧૮,૦૦૦ નો મુદૃામાલ કબ્જે લઈ પોલીસે ૩ આરોપીઓ વિરુદ્વ પ્રોહીબીશન એકેટ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.

મહાત્મા ગાંધીના ગુજરાતમાં દારુ બનાવવા, વેચવા, પીવા અને હેરાફેરી કરવા ઉપર કાયદાથી પ્રતિબંધ લદાયો છે, છતાં રાજયભરમાં કરોડો રુપિયાનો દારુ ઠલવાય છે, પીવાય છે. રાજયના સરહદી જિલ્લા અરવલ્લીની રતનપુર બોર્ડરેથી જ વર્ષે દહાડે કરોડો રુપિયાનો દારુ ઝડપાય છે અને આ ગેરકાયદેસર દારુના જથ્થા ઉપર તંત્ર દ્વારા વર્ષાન્તે બુલડોઝર ફેરવી દેવાય છે. ગત રવિવારની રાત્રે ગુજરાત-રાજસ્થાન બોર્ડરની અણસોલ ચેક પોસ્ટે શામળાજી પોસઈ બી.એસ.ચૌહાણ દ્વારા વાહન ચેકીગ હાથ ધરાયું હતું.

દરમ્યાન રાજસ્થાન તરફથી આવી રહેલ ટાટા ટ્રક નં.આર.જે.૩૭ જીએ ૧૩૦૭ ને અટકાવી પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરાયું હતું. આ ટ્રકમાં વેસ્ટ પ્લાસ્ટીકના કટૃા ભરેલા હોઈ પોલીસને શંકા જતાં સઘન તપાસ હાથ ધરાતાં આ કટૃાઓની નીચે ટ્રકમાં બનાવેલ ગુપ્ત ખાનું મળી આવ્યું હતું. અને આ ગુપ્તખાનામાંથી વિદેશી દારુની ૬૨૫ પેટીઓનો મોટો જથ્થો મળી આવ્યો હતો. શામળાજી પોલીસે રૂ.૧૭,૧૬,૦૦૦ ની કિંમતની વિદેશી દારુની ૧૩૯૨૦ બોટલ, ટીનનો જથ્થો કબ્જે લઈ આ ટ્રકના ચાલક યોગેશ યાદવ રે.બસાવા જિ.ઝુંઝનું (રાજસ્થાન) નાઓને ઝડપી હવાલાતે કર્યો હતો.

જયારે આ દારુનો જથ્થો ભરી આપનાર મુકેશ ઉર્ફે મટકી અને મુનીમ નામના બે બુટલેગરો સહીત ત્રણેય આરોપીઓ વિરુદ્વ પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે દારુ અને ટ્રક સહીત કુલ રૂ.૨૭,૧૮,૦૦૦ નો મુદૃામાલ જપ્ત કર્યો હતો.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.