ગુજરાતને કોંગ્રેસમુક્ત કરવાનાં સપનાં જોતી ભાજપ ભલે કોંગ્રેસયુક્ત થઈ રહી હોય પણ ધીરે ધીરે કોંગ્રેસના ગઢનાં કાંગરા ખરી રહ્યાં છે
આજે પણ કોંગ્રેસીઓ ભાજપમાં લાલજાજમ પથરાય એની રાહ જોઈને બેઠા છે
ગરવી તાકાત, ગાંધીનગર તા. 12 – ગુજરાતમાં આજે એક સમયના વિજાપુર વિધાનસભાના ઉમેદવાર એવા કોંગ્રેસીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું અને સીજે ચાવડા સાથે ભાજપમાં જોડાય તેવી પૂરી સંભાવના છે. ગુજરાતમાં કોંગ્રેસનો સૂરજ અસ્ત થઈ રહ્યો છે. ગુજરાતને કોંગ્રેસમુક્ત કરવાનાં સપનાં જોતી ભાજપ ભલે કોંગ્રેસયુક્ત થઈ રહી હોય પણ ધીરે ધીરે કોંગ્રેસના ગઢનાં કાંગરા ખરી રહ્યાં છે. 2002થી અત્યારસુધીમાં 100થી વધારે કોંગ્રેસી નેતાઓ ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. જેમાં કહી ખુશી કહી ગમનો માહોલ હોવા છતાં આજે પણ કોંગ્રેસીઓ ભાજપમાં લાલજાજમ પથરાય એની રાહ જોઈને બેઠા છે. એક સમયે ગુજરાતમાં કોંગ્રેસનો દબદબો હતો, પણ હવે ધીમે ધીમે નેતાઓ કોંગ્રેસને દૂરથી સલામ કરી રહ્યાં છે.
ભાજપનું 30 વર્ષથી એકહથ્થુ શાસન – ગુજરાતમાં ભાજપનો દબદબો છતાં મતબેંકની ટકાવારી જોઈએ તો આજે પણ કોંગ્રેસની પરંપરાગત વોટબેંક મૂળ કોંગ્રેસીઓને મત આપે છે. ગુજરાતમાં ભાજપ સરકાર, સત્તા અને સંગઠનના જોરે 30 વર્ષથી એકહથ્થુ શાસન ચલાવી રહી છે. એક સમયે 77 વિધાનસભાની સીટો જીતીને કોંગ્રેસે ભાજપને બરાબરની ટક્કર આપી હતી, પણ દિલ્હી હાઈકમાનની નિષ્ક્રિયતા, ફંડનો અભાવ સહિતના કારણોને પગલે ગુજરાતમાં હવે કોંગ્રેસનું ધીરેધીરે અસ્તિત્વ ભૂંસાઈ રહ્યું છે. અહીં આપણે અહીં એવા 10 કારણો અંગે જાણીશું જેનાથી કોંગ્રેસને ગુજરાતમાં ફટકો પડી રહ્યો છે.
ગુજરાતમાં કોંગ્રેસ છેલ્લા 30 વર્ષથી સત્તાથી દૂર છે. મોદી સીએમ બન્યા બાદ આ ખાઈ વધતી ગઈ છે અને આજે ભાજપ ગુજરાતમાં નવો રેકોર્ડ બનાવીને વિધાનસભામાં જીતી છે. કોંગ્રેસ પાસે વિરોધપક્ષનો નેતા ચૂંટવા જેટલા પણ સભ્યો નહોતા રહ્યાં. ગુજરાતમાં ધીરેધીરે કોંગ્રેસ પોતાની પરંપરાગત મતબેંક ગુમાવી રહી છે. ભાજપે સરકાર સાથે સંગઠનમાં પણ કામગીરી કરતાં આજે ગુજરાત ભરમાં ભાજપનો દબદબો છે. કોંગ્રેસ છેલ્લા 30 વર્ષથી સત્તા માટે પ્રયાસો કરી રહી છે પણ દૂર રહી છે.
2. આગામી એક દાયકા સુધી સત્તા પરિવર્તનના નથી ચાન્સ – હાલમાં ગુજરાતમાં ધીરેધીરે કોંગ્રેસનું અસ્તિત્વ ભૂસાઈ રહ્યું છે અને આગામી એક દાયકા સુધી સત્તા પરિવર્તનના કોઈ ચાન્સ નથી. ભાજપ હાલમાં સરકાર અને સંગઠન બંનેમાં મજબૂત બની ગઈ છે. ગુજરાતના મતદારો પણ સારી રીતે જાણે છે કે કોંગ્રેસને મત આપવાનો કોઈ મતલબ નથી. હાલમાં સ્થિતિ એવી છે કે આગામી 10 વર્ષ સુધી એ ગુજરાતમાં સત્તા હાંસલ કરી શકે તેવી સ્થિતિમાં નથી કારણ કે સંગઠનના ઠેકાણા નથી અને નેતાઓ ભાજપ તરફ નજર કરીને બેઠા છે.