મીડિયામાં કહેવાઈ રહ્યું છે કે આ વખતે ચૂંટણીનો કરંટ નથી પરંતુ, ચૂંટણીનો કરંટ જોવા માટે ગામડાઓમાં અને પ્રજાની વચ્ચે જવું પડે – ઋષિકેશ પટેલ
રામલ્લા મંદિરમાં બિરજમાન થાય તે માટે વર્ષો સુધી આંદોલન થયા
ગરવી તાકાત, મહેસાણા તા. 03 – એક ઇન્ટર્વ્યુમાં મિડીયાને મંત્રી ઋષિકેશ પટેલે વિશ્વાસ દાખવતા કહ્યું હતું કે, ગુજરાત સહિત દેશભરમાં હાલ જે માહોલ છે ત્યારે મોદી સાહેબ ત્રીજી વખત વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. બે વખત 26 માંથી 26 આપી હોય એટલે ત્રીજી વખત પણ ગુજરાતની જનતા સહયોગ આપશે અને અગાઉ કરતા પણ વધુ માર્જિન સાથે પક્ષ બેઠકો જીતશે તેવો વિશ્વાસ છે. ગુજરાતમાં ચૂંટણી માહોલ અંગે વાત કરતા તેમણે કહ્યું કે, મીડિયામાં કહેવાઈ રહ્યું છે કે આ વખતે ચૂંટણીનો કરંટ નથી પરંતુ, ચૂંટણીનો કરંટ જોવા માટે ગામડાઓમાં અને પ્રજાની વચ્ચે જવું પડે. દરેક ગામ અને જિલ્લા, તાલુકાઓમાં વિકાસની વાતો થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યો છે. ત્યારે તેની શરૂઆત ગુજરાતથી થાય છે.
કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે આગળ કહ્યું કે, ગુજરાતમાં 24 કલાક વીજળી, ઘરે ઘરે પીવાનું પાણી, દરેક ગામમાં સડક અને સૌથી સારી આરોગ્યની સુવિધાઓ ગુજરાત સરકારે ઊભી કરી છે. વિપક્ષના આરોપોનો જવાબ આપતા તેમણે કહ્યું કે, રામમંદિર એક આસ્થાનો વિષય છે. રામ મંદિર સાથે કરોડો લોકો જોડાયેલા છે. રામલ્લા મંદિરમાં બિરજમાન થાય તે માટે વર્ષો સુધી આંદોલન થયા. રામ મંદિરનો મુદ્દો દરેક નાગરિકના મનમાં વસેલો છે. આથી આ વિષયને સન્માન આપવું જોઈએ.
તેમણે કહ્યું કે, ગુજરાતમાં 2001 થી વિકાસનો વેગ વધ્યો છે. 2014 બાદ ગુજરાતને જોયા પછી દેશના લોકોએ નક્કી કર્યું કે હવે પછીના સમયમાં રાષ્ટ્રહીત, રાષ્ટ્રપ્રેમ અને આસ્થાનું સન્માન કરવાવાળા અને ગુજરાતના વિકાસની જેમ દેશનો વિકાસ કરવાની એકમાત્ર છેલ્લી આશા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી પર લોકોને હતી. આ સાથે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે દેશમાં બેરોજગારી, MSME, સરકારી યોજનાઓ અંગે વાત કરી. ઉપરાંત, તેમણે ક્ષત્રિય આંદોલન અંગે પણ પ્રતિક્રિયા આપી હતી. સાથે જ કોવિડશિલ્ડ વેક્સિન વિવાદ, સામ પિત્રોડા વિવાદ સાથે વિપક્ષના આરોપોના પણ જવાબ આપ્યા હતા.