ગરવીતાકાત,અરવલ્લી: અરવલ્લી જીલ્લામાં સતત ૫ દિવસથી મેઘમહેર યથાવત રહેતા કાચા મકાનોમાં ભેજ લાગતા સતત દીવાલો ધરાશાયી થવાની ઘટનાઓ બની રહી છે માલપુર તાલુકાના અણીયોર ગામમાં ચમાર ફળિયામાં મકાનની દીવાલ ધરાશાયી થતા ઘરમાં રહેલી મહિલા અને બાળકી કાટમાળમાં દબાતા ભારે અફડાતફડી મચી હતી મકાન ધરાશાયી થતા દોડી આવેલા ગ્રામજનોએ બંને ઇજાગ્રસ્તોને કાટમાળ નીચેથી કાઢી વાત્રક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા જેમાં મહિલાની હાલત ગંભીર હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

માલપુર તાલુકાના અણિયોર ગામના ચમાર જયંતિભાઇના મકાનની દિવાલ ધ્વસ્ત થતા દોડધામ મચી ગઇ હતી કાચી દિવાલ ધરાશાયી થતાં નજીક ઉપસ્થિત આઠ વર્ષની મેઘા અને વૃધ્ધ રમીલાબેન જયંતિભાઇ ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ વાયુવેગે તંત્ર સુધી પહોંચી જતાં બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે વાત્રક રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જયારે દિવાલ નજીક ઉપસ્થિત અન્ય એકનો આબાદ બચાવ થયો છે.

સમગ્ર મામલે માલપુર તાલુકા મામલતદાર કચેરી દ્વારા તલાટી મારફત રીપોર્ટ મંગાવી જોગવાઇ મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જીલ્લામાં ભારે વરસાદ બાદ કાચી દિવાલો ભેજને પગલે ધરાશાયી થતી હોય અન્ય રહીશોમાં પણ મુંઝવણ વધી છે.

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી