મહિલા પી.આઇ ધડુક સિંહના સિમ્બોલવાળી ટોપી માથે લગાવી સિંઘમ પોલીસની જેમ ફરજ બજાવવામાં ઉણા ઉતર્યા
ગરવી તાકાત, મહેસાણા તા. 11 – મહેસાણા શહેર એ ડિવિઝન વિસ્તારમાં અસામાજિક પ્રવૃતિઓ રોજબરોજ ફૂલીફાલી રહી છે. જ્યારથી મહેસાણા એ ડિવિઝન વિસ્તારમાં મહિલા પીઆઇ રામા ધડુકે ચાર્જ સંભાળ્યો છે ત્યારથી અસમાજિક પ્રવૃતિઓ વધુ વેગવંતી બની હોવાનો અહેસાસ એ વિસ્તારના નાગરીકો કરી રહ્યા છે. મહેસાણા શહેર એ ડિવિઝન વિસ્તારમાં વિદેશી દારુનું ખુલ્લેઆમ વેચાણ થઇ રહ્યું હોવા છતાં આ પ્રવૃતિને નેસ્તનાબુદ કરવાની જેમની જવાબદારી છે તે એ ડિવિઝન વિસ્તારના પીઆઇ રામા ધડુક હાથ પર હાથ ધરી એસી ઓફિસમાં બેસી માત્રને માત્ર ફાઇલો ફંફોસ્યાં કરે છે અને એ ડિવિઝન વિસ્તારમાં અસામાજિક પ્રવૃતિઓ વધુને વધુ વેગવંતી બની રહી છે. ત્યારે વિદેશી શરાબની ધમધમતી અસમાજિક પ્રવૃતિઓને ડામવામાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારી દ્વારા કાર્યવાહી કરવામાં કેમ કાચુ કાપી રહ્યાં છે. જેને પગલે મહેસાણા એ ડિવિઝન વિસ્તારની જનતા જર્નાદનના મુખે પણ ચર્ચાઓ જોવા મળી રહી છે કે, પી.આઇ ધડુકના નાક નીચે ‘દમ મારો દમ’ ની જેમ અનેક અસામાજિક પ્રવૃતિઓ ફાલીફૂલી રહી છે.
વિદેશી દારુ સહિત જુગાર, વરલી મટકાના જુગાર પણ સરેઆમ ધમધમી રહ્યો છે. જુગારનુ ધામ ચલાવનાર પણ બેખોફ બની જુગારના અડ્ડાઓ ધમધમાવી રહ્યાં છે તેઓને ન તો એ ડિવિઝન પોલીસનો કોઇ ડર કે ખોફ છે કે ન તો પીઆઇ રામા ધડુકનો કોઇ ડર. દિવાળીના માહોલમાં પણ આવા જુગાર વરલી મટકાના અનેક અડ્ડાઓ એ ડિવિઝન વિસ્તારમાં ફૂલ્યાં ફાલ્યાં હોવા છતાં એ ડિવિઝન પોલીસના જવાબદાર અધિકારીઓના પેટનું પાણીય હલતું નથી જેને પગલે અસમાજિક તત્વો બેફામ બની આવી અસામાજિક પ્રવૃતિઓ ચલાવી રહ્યાં છે. જુગારના ધમધમતાં અડ્ડાઓ ક્યાં અને કઇ જગ્યા પર ચાલી રહ્યાં છે તે બાબતની જાત તપાસ કરી આવા અડ્ડાઓ પર રોક લગાવી કાયદેસરની કાર્યવાહી એ ડિવિઝન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવે તે જરુરી છે.
જ્યારે એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજિક પ્રવૃતિઓ આટલેથી ન અટકતી હોય તેમ માદક કેફી દ્રવ્ય પદાર્થોનું વેચાણ પણ મહેસાણા એ ડિવિઝન વિસ્તારમાં ધમધમી રહ્યું છે. મહેસાણા એ ડિવિઝન વિસ્તારમાં ગાંજાનું પણ ખુલ્લેઆમ વેચાણ કરવામાં આવી રહ્યું છે. એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતાં ગાંજાે લેવા અનેક નશેડીઓ નાના મોટા ગામડાઓમાંથી પણઆવી રહ્યાં છે અને બિન્દાસત જાણે પોલીસનો કોઇ ડર રહ્યો ન હોય તેમ ગાંજાે ખરીદી ‘દમ મારો દમ’ ના નશામાં ઝુમી રહ્યાં છે અને ગાંજાના વેપારીઓ પ્રતિબંધિત આવા ગાંજા જેવા માદક પદાર્થોનું વેચાણ કરી યુવાધનને બરબાદ કરી રહ્યાં છે. ત્યારે મહેસાણા એ ડિવિઝન વિસ્તારના યુવાધન સહિત ગ્રામ્ય વિસ્તારમાંથી ગાંજાની ખરીદી કરવા આવનાર યુવાનોને બરબાદીના માર્ગે જતાં અટકાવવાની જેમની જવાબદારી છે તે મહિલા પી.આઇ ધડુક સિંહના સિમ્બોલવાળી ટોપી માથે લગાવી સિંઘમ પોલીસની જેમ ફરજ બજાવવામાં ઉણા ઉતર્યા છે.
જ્યારે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક કેસમાં મહિલા પી.આઇ રામા ધડુકે કેસમાં ઢીલાશ રાખવા માટે 50 હજાર રુપિયાનો વહીવટ કર્યો હોવાના આક્ષેપો અને ચર્ચા પણ પોલીસબેડામાં તેજ બની છે. મહેસાણા શહેર એ ડિવિઝન વિસ્તારમાં વધુને વધુ વેગવંતી બનતી આવી અનેક પ્રકારની અસમાજિક પ્રવૃતિઓ ફાલી રહી છે ત્યારે આવી અનેક અસામાજિક પ્રવૃતિઓને કડક કાર્યવાહી હાથ ધરી ડામી દેવાની ઝંખના મહેસાણા એ ડિવિઝન વિસ્તારની જનતા જર્નાદન રાખી રહી છે. આગામી સમયમાં જોવું રહ્યું કે આવી ધમધમતી પ્રવૃતિઓને ડામવામાં મહિલા પી.આઇ ધડુક સફળ થાય છે કે પછી અસફળ.