– તેલંગણાથી આરોપીને ટ્રાન્સફર વોરન્ટથી લવાયો
– સાયબર ક્રાઈમ પોલીસે શિક્ષિકાને 97 હજાર પરત અપાવ્યા માસ્ટર માઈન્ડ દિલ્લીનો શખ્સ પોલીસ પકડથી દૂર
ગરવી તાકાત મેહસાણા: મહેસાણા શહેરના રાધનપુર રોડ વિસ્તારમાં રહેતી શિક્ષિકાને ગીફ્ટ વાઉચર અને ક્રેડિટ કાર્ડમાં પોઈન્ટ જમા થયાની લાલચ દોઢ લાખમાં પડી હતી. આ અંગે પોલીસે અજાણ્યા શખ્સ વિરૃધ્ધ ગુનો દાખલ કર્યો હતો. દરમિયાનમાં મહેસાણા સાયબર ક્રાઈમ ટીમે તેલંગણાના શખ્સનો ટ્રાન્સફર વોરન્ટથી કબજો મેળવી પૂછતાછ કરતાં આરોપીએ શિક્ષિકા સાથે છેતરપિંડી કર્યાની કબુલાત કરી હતી. પોલીસે આરોપીના બે દિવસના રિમાન્ડ મેળવી જેલ હવાલે કર્યો હતો.
સાયબર ક્રાઈમ પોલીસ વર્તુળોમાંથી ઉપલબ્ધ માહિતી અનુસાર મહેસાણા શહેરના રાધનપુર રોડ, સહારા ટાઉનશીપમાં રહેતા શિક્ષિકા મમતાબેન પીયૂષભાઈ રાવળને મોબાઈલ ફોન પર એક્સિસ બેન્કમાંથી બોલું છું તેમ કહી ફરિયાદી મમતાબેનને તમારે રૃ.૫૦૦૦નું ગીફ્ટ વાઉચર અને ક્રેડિટકાર્ડમાં ૧૨,૦૦૦ પોઈન્ટ જમા થયા હોવાનું જણાવી શિક્ષિકાના ક્રેડિટકાર્ડનો અને ઓટીપી નંબર મેળવ્યો હતો. જેના આધારે તેણીના બેન્ક ખાતામાંથી રૃ.૧.૫૩ લાખની રકમની છેતરપિંડી ની શિક્ષિકાની ફરિયાદ આધારે સાયબર ક્રાઈમ પોલીસે કાર્યવાહી કરી ફરિયાદીના ખાતામાં રૃ.૯૭હજાર પરત જમા કરાવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, પોર્ટલ પર ફરિયાદ મુકવામાં આવી હતી. જેમાં તેલંગણા રાજ્યમાં ફ્રોડ કરતો આરોપી રોહિત સત્યપ્રકાશ માથુર (રહે.દિલ્લી દ્વારકા, ગલી-૩, મધુ વિહાર, વેસ્ટ દિલ્લી) ને સાયબ્રાબાદ પોલીસે ઝડપી લીધો હોવાની અને તેણે મહેસાણાની શિક્ષિકાની સાથે છેતરપિંડી કર્યાના ગુનાની કેફીયત આપી હતી. જેની જાણ થતાં મહેસાણા સાયબર ક્રાઈમ પોલીસે તેલંગણાના સાયબ્રાબાદ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી કોર્ટમાંથી ટ્રાન્સફર વોરન્ટથી આરોપી રોહિત સત્યપ્રકાશ માથુર (રહે.દિલ્લી દ્વારકા, ગલી-૩, મધુ વિહાર, વેસ્ટ દિલ્લી) નો કબજો મેળવી મહેસાણા લાવી હતી. મહેસાણા કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવી પૂછતાછ કરતાં આરોપીએ શિક્ષિકા સાથે છેતરપિંડી આચરી હોવાની અને તેની સામે છેતરપિંડીના છ ગુના નોંધાયા હોવાની કબુલાત આપી હતી. વધુમાં આરોપીએ ઓનલાઈન ફ્રોડ કિસ્સામાં માસ્ટર માઈન્ડ દિલ્લીનો નિખિલ હરકિશન મદન હોવાનું પણ જણાવ્યું હતુ. જ્યારે પોલીસે આરોપી રોહિત માથુરના રિમાન્ડ પુરા થતાં મહેસાણા જિલ્લા જેલમાં મોકલી આપ્યો હતો.
આરોપી પાંચ ટકા કમિશન લઈ ઠગાઈ કરતો હતો
ધોરણ ૧૦ પાસ આરોપી રોહિત માથુરે પોલીસની પૂછતાછમાં જણાવ્યું હતું કે, છેતરપિંડીના કિસ્સામાં ફોન કરી સામેની વ્યક્તિને ગીફ્ટ વાઉચર અને પોઈન્ટ જમા થયા જેવી લલચામણી વાતોમાં ભોળવી તેના બેન્ક ક્રેડિટ કાર્ડ નંબર અને ઓટીપી નંબર મેળવી લેતો હતો. જેના આધારે તેમાં રહેલ તગડી રકમ પોતાના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી ઉપાડી લેતો હતો. અને તેમાંથી પાંચ ટકા કમિશન કાપી લઈ રોકડ રકમ માસ્ટર માઈન્ડ નિખિલ હરકિશન મદનને આપતો હતો.