— વડનગર તાલુકાના મોલીપુર ગામે ખેતરમાં ગ્રાઉન્ડ બનાવી રશિયા ખાતે લાઇવ પ્રસારણ કરી ક્રિકેટ સટ્ટો રમાડાતો હતો :
ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લામાં ક્રિકેટ મેચમાં મોટા પ્રમાણમાં સટ્ટાનો ખેંલ બુકીઓ ચલાવતાં હોય છે. જેમાં પણ આઇપીએલ લિંગની શરૂઆત થઇ છે ત્યારથી ક્રિકેટ સટ્ટાનું પ્રમાણ બેફામ ફૂલ્યું ફાલ્યું છે. જાે કે ક્રિકેટ સટ્ટો રમાડવા હવે આજના ટેકનોલોજીનાં યુગમાં અવનવા પેંતરા અજમાવી બુકીઓ આ ગેરકાયદેસર ક્રિકેટ સટ્ટાનો ખેંલ ખેંલી રહ્યા છે. ત્યારે આવા જ એક ગેરકાયદેસ ક્રિકેટ સટ્ટાના ચાલતાં રેકેટનો મહેસાણા એસઓજીએ પર્દાફાશ કર્યો છે.
મહેસાણા જિલ્લાના વડનગર તાલુકામાં આવેલાં મોલીપુર ગામની સીમમાં કબ્રસ્તાનની સામે આવેલ ધરોઇ કેનાલની નજીક આવેલ ગુલામ મસીનું ખેતર ભાડેથી રાખી સોએબ અબ્દુલમજી રહે. મોલીપુરવાળો શખ્સ ખેતરમાં ક્રિકેટનું ગ્રાઉન્ડ બનાવી બહારથી ખેલાડીઓ બોલાવી ક્રિકેટ ગ્રાઉન્ડમાં ગોઠવેલા કેમેરા મારફતે વિડીયો શુટીંગ કરી એલઇડી ટીવીમાં વીડીયો કાસ્ટીંગ કરી લાઇવ પ્રસારણ કરી ક્રિકેટ ટવેન્ટી ટવેન્ટી ક્રિકેટ ટુર્નામેન્ટ યુટયુબ ચેનલમાં લીંક પ્રસારિત કરી મેચનું જીવંત પ્રસારણ કરી રશિયા ખાતે પોતાના માણસ આશીફ મહંમદ સાથે ચેટીંગ ચાલુ રાખી ક્રિકેટ સટ્ટાનું રેકેટ ચલાવતો હોવાની
અ.હેકો.નરેશકુમાર, અપોકો, અબ્દુલગફાર, સંજયકુમાર, ધરમસિંહને ખાનગી બાતમી મળી હતી જે બાતમીના આધારે મહેસાણા એસઓજી પી.આઇ બી.એચ. રાઠોડની સૂચના મુજબ પીએસઆઇ વિ. એન. રાઠોડ, એએસઆઇ પારખાનગી, મનોહરસિંહ, ચેનતકુમાર, દિલીપકુમાર, નરેશકુમાર, હિતેન્દ્રસિંહ, રાજસિંહ, કેયુરકુમાર, જીતેન્દ્રકુમાર, મનીષકુમાર સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગેરકાયદેસર રીતે ચાલતાં આ ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ કર્યો હતો.
જ્યાંથી એસઓજીની ટીમે ક્રિકેટ સટ્ટામાં વપરાતો મુદ્દામાલ પૈકી ક્રિકેટ કીટ, લાઇટ ફોક્ષ, જનરેટર, વિડીયો કેમેરા, એલઇડી, ટીવી, લેપટોપ, માઇક, વાયરલેશ, વોકીટોકી, મોબાઇલ, કેબલ વાયર અને રોકડ રકમ મળી કુલ રૂા. 3 , 21, 650 નાં મુદ્દામાલ સાથે દાવડા સોએબ અબ્દુલમજીદ, સેફી મહંમદ રિયાજુદ્દીન, કોલુ મહંમદ અબુબકર, દાવડા સાદીક અબ્દુલમજીદ તમામ હાલ રહે. મોલીપુર તા. વડનગરવાળા શખ્સોને ઝડપી લીધા હતા જ્યારે આશીફ મોહમ્મદ જે રશિયા ખાતે ક્રિકેટ સટ્ટો ચલાવતાં સાગરીત સહિત પાંચ સામે ગુનો નોંધી ગેરકાયદેસર રીતે ચાલતાં ક્રિકેટ સટ્ટાના રેકેટનો મહેસાણા એસઓજીની ટીમે પર્દાફાશ કર્યો હતો.
તસવિર અને અહેવાલ : નાયક અક્ષય — મહેસાણા