કોરોનાની ખુની વેવ બાદ લદાયેલા મીનીલોકડાઉનના કારણે આર્થીક પ્રવૃતીઓ પર માઠી અસર પડી હતી. જેથી દિવાળી સુધી રાશનકાર્ડ ધારકોને ફ્રી અનાજ વિતરણની જાહેરાત કરાઈ હતી. પરંતુ મહેસાણામાં આવેલા સરકારી અનાજના 3 સંચાલકોને ત્યાં દરોડા પડતા અનેક ગેરરીતીઓ સામે આવી છે. આ કાર્યવાહીમાં 2 સરકારી અનાજની દુકાનોમાં અનાજનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. આ દરોડામાં સામે આવ્યુ હતુ કે, સંચાલકો દ્વારા ગેરરીતીઓ આચરી અનાજને સગેવગે કરવામાં આવતુ હતુ.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મહેસાણાના ત્રણ સરકારી અનાજની દુકાનો પર તાજેતરમાં દરોડા પાડ્યા હતા. જેમાં મહેસાણા અને ચરાડુના 3 સંચાલકોને ત્યાં પુરવડા વિભાગની તપાસમાં ગેરરીતીઓ સામે આવી હતી. આ તપાસમાં લાયસન્સધારી વેપારીઓ કેટલાક ગ્રાહકોને મળવાપાત્ર જથ્થા કરતા ઓછો આપતા હતો, તો કેટલાકને જથ્થાની કુપન જ નહીં આપ્યાનું સામે આવ્યુ છે. જેથી આ કાર્યવાહીમાં સરકારી અનાજ કૌભાંડમાં 2 દુકાનોમાં જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો – કોન્ટ્રાક્ટરો, અધિકારીઓ, નેતાઓ : અમે નહી સુધરીયે : વિસનગરના કાંસા ચાર રસ્તા પર ગટર લાઈનના ઢાંકણા તુટેલી હાલતમા, રજુઆતો છતા તંત્રનુ ઓરમાયુ વલણ
રાજ્યભરમાં ચાલતા સરકારી અનાજ કૌભાંડમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મહેસાણા જિલ્લાના ત્રણ સસ્તા અનાજની દુકાનોના સંચાલકોની પણ ધરપકડ કરાઇ હતી. જેને પગલે સફાળા જાગેલા જિલ્લા પુરવઠા વિભાગે આ ત્રણે દુકાનોના તમામ ગ્રાહકોની ભૌતિક ખરાઇ કરી ટ્રાન્જેકશનનું ક્રોસ વેરીફીકેશન કરવા નાયબ મામલતદારોની ત્રણ ટીમો બનાવી તપાસ હાથ ધરાઇ હતી. આ તપાસ ટીમોએ ગ્રાહકોનો રૂબરૂ સંપર્ક કરી નિવેદન તેમજ દુકાનના જથ્થાની ચકાસણી પૂર્ણ કરી હવે ઓનલાઇન સાથે ક્રોસ વેરીફીકેશન કરવા કવાયત હાથ ધરી છે.
તમને જણાવી દઈયે કે, મહેસાણા જિલ્લામાં જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ 694 જેટલી સસ્તા અનાજની દુકાનો આવેલી છે. પ્રથમ લોકડાઉન બાદ રાજ્યમાં અનેક જગ્યાએથી સસ્તા અનાજની દુકાનમાં કૌંભાડ થયા હોવાનુ સામે આવી ચુક્યુ છે. જેમાં અગાઉ પણ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઉત્તર ગુજરાતના વિસ્તારમાં દરોડા પાડી સપાટો બોલાવ્યો હતો અને 10 જેટલા શખ્સોની અટકાયત કરાઈ હતી.
જ્યારે મહેસાણામાં આ રેઈડ પાડવામાં આવી હતી ત્યારે સરકારી અનાજ કૌભાંડમાં મહેસાણા પુરવઠા તંત્રના ભ્રષ્ટ અધીકારીઓની સંડોવણી ઉપર પણ શંકા ગઈ હતી. જેથી આ બાબતે તેમની પણ તપાસ હાથ ધરાશે તેવા શંકેત મળ્યા હતા પરંતુ આ માત્ર દુકાનો સીઝ કરી, સંચાલકોની ધરપકડ કરી ભ્રષ્ટ અધિકારીઓને બચાવી લેવામાં આવ્યા છે તેવી આંશકા સેવાઈ રહી છે.