મહેસાણા શહેરના નવ બગીચાઓમાં ઊભેલા કોનોકાર્પસનાં આવા 300 જેટલાં ઝાડ કાપીને દૂર કરાશે.
મહેસાણાના પરા તળાવમાંથી પર્યાવરણને નુકશાન કરતાં કોનોકાર્પસનાં 50 ઝાડ કાપી નખાયાં
ગરવી તાકાત, મહેસાણા તા. 12- વિદેશી પ્રજાતિના રાક્ષસી ઝાડ ગણાતા કોનોકાર્પસથી પર્યાવરણ અને માનવ જીવન ઉપર નકારાત્મક અસરો થતી હોવાનું સંશોધનમાં ધ્યાને આવતાં રાજ્ય સરકાર દ્વારા કોનોકાર્પસના ઝાડ દૂર કરવા આદેશ કરાયો છે. મહેસાણા શહેરના નવ બગીચાઓમાં ઊભેલા કોનોકાર્પસનાં આવા 300 જેટલાં ઝાડ કાપીને દૂર કરાશે. નગરપાલિકા દ્વારા બુધવારે સૌપ્રથમ પરા તળાવમાં ઊભેલા 50 ઝાડ કાપી દૂર કરવાનું શરૂ કરાયું હતું.
નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરની સૂચનાથી બાંધકામ અને ફાયર સ્ટેશનની ટીમો દ્વારા કોનોકાર્પસના ઝાડ કટર મશીન કાપી દૂર કરવાની કામગીરી સવારથી શરૂ કરાઇ હતી. નગરપાલિકા હસ્કતના પરા તળાવ, બિલાડીબાગ, મહર્ષિ અરવિંદબાગ, નાગલપુર વૃંદાવન ગાર્ડન, ટીબી રોડ પરશુરામ ગાર્ડન, સહકારનગર, એરોડ્રામ રોડ વિરાજંલી વન, સરદારપાર્ક અને રાધનપુર રોડ પર સાંઇક્રિષ્ણા રોડ બાગમાં અંદાજે 300 જેટલા કોનોકાર્પસના ઝાડ હોઇ આ તમામ ઝાડ કાપી દૂર કરાશે. જેનું લાકડું ફાયર સ્ટેશન કે ગેરેજ શાખામાં સ્ટોર કરી સ્મશાનગૃહમાં ઉપયોગમાં લેવામાં આવશે. હાલમાં કોનોકાર્પસના ઝાડ કાપી નિકાલ કરાઇ રહ્યો છે. પરંતુ તેના મૂળ જમીનમાં હોય છે એટલે ફરી આ ઝાડ ન થાય એટલે મૂળમાંથી નાશ કરવા અંગે વનવિભાગનું માર્ગદર્શન મેળવાશે.