ઉ. ગુજરાત વીજ કંપનીની મુખ્ય ઓફિસ પાસે આવેલા મુખ્ય પોસ્ટ ઓફિસના રોડની બિસ્માર હાલત હતી
આ રોડ પરથી સાંસદ શારદાબેન પટેલ પસાર થતાં રોડ બનાવવા માટે ગ્રાન્ટ ફાળવતાં સ્થાનિકોમાં આનંદ
ગરવી તાકાત, મહેસાણા તા. 05- મહેસાણા જિલ્લાના સાંસદ શારદાબેન પટેલે મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત દરમિયાન રસ્તાની મુશ્કેલી અનુભવી હતી. આ મુશ્કેલી દુર કરવા માટે કોઇપણ માંગણી વગર સી.સી રોડ બનાવવા માટે તેમની સાંસદસભ્ય ગ્રાન્ટમાંથી રૂપિયા 6.50 લાખની ગ્રાન્ટ ફાળવી છે. સાંસદ સભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના અંતર્ગત મહેસાણા નગરપાલિકા વિસ્તારમાં ઉત્તર ગુજરાત વીજ કંપનીની મુખ્ય ઓફિસ પાસે આવેલા મુખ્ય પોસ્ટ ઓફિસના રોડને સી.સી રોડ બનાવવા માટે ગ્રાન્ટ ફાળવી હતી.

વર્ષોથી વરસાદની સીઝન બાદ મુખ્ય પોસ્ટ ઓફિસમાં આવેલા પાસપોર્ટ ઓફીસ અને પોસ્ટ કર્મચારીઓને કોલોની તરફ જવાનો રોડ લોકો માટે મુશ્કેલી બન્યો હતો. પોસ્ટ ઓફીસ અને કોલોનીની જગ્યા કેન્દ્ર સરકારના પોસ્ટ વિભાગ હસ્તકની હોવાથી આ રોડ બનાવવા માટે અન્ય ગ્રાન્ટ મેળવવામાં પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં લઈને સાંસદે આ કામગીરીને અગ્રતા આપી ગ્રાન્ટ ફાળવતા મુખ્ય પોસ્ટ ઓફિસમાં આધાર કાર્ડ અને પાસપોર્ટ કઢાવવાના કામે આવતા તમામ નાગરિકોમાં આનંદની લાગણી છવાઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મહેસાણા સાંસદ સભ્યએ નાગરિકોને પ્રાથમિક અને માળખાકીય સુવિધાઓ મળી રહે તે માટે કામગીરી કરી છે. થોડા દિવસો અગાઉ પોસ્ટ ઓફિસમાં આધાર કાર્ડ અને પાસપોર્ટ કઢાવવા આવતા નાગરિકોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે તેની બાજુમાં આવેલી પોસ્ટ કોલોનીમાં અલગથી આધાર કાર્ડ સેન્ટર અને પાસપોર્ટ સેન્ટર ભવન બનાવવા કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણને રૂબરૂ મુલાકાત કરીને માંગણી કરી હતી.


