હત્યાની કોશિશ, લૂંટ, મારામારી, મિલ્કત સંબંધિત, શરીર સંબંધિત અનેક ગુનાઓમાં સંડોવાયેલા રીઢા શખ્સને પાસા હેઠળ અટકાયત
મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચે લશ્કરી કુવા, રાધનપુર ચોકડી, મહેસાણાથી દબોચી લીધો
પાસા હેઠળ ધકેલાયેલા સીમ્પલી હ્યુમન બીંગના ચહેરા પર ડર કે ચિંતાની લકીર દેખાતી નથી
ગરવી તાકાત, મહેસાણા તા. 02 – (Sohan Thakor) – મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મહેસાણાના લશ્કરી કુવા, રાધનપુર ચોકડી, મહેસાણા ખાતે રહેતો અને અનેક ગંભીર પ્રકારના હત્યાની કોશિશ, લૂંટ, મારમારી, મિલ્કત સંબંંધી, શરીર સંબંધી અનેક ગુનાઓમાં સંડોવાયેલા ડફેર મહેબુબ ઉર્ફે રજ્જુને ઝડપી પાડી રાજકોટ મધ્યસ્થ જેલમાં રવાના કરી દીધો હતો.
લોકસભાની ચૂંટણી અંતર્ગત મહેસાણા જિલ્લામાં અનેક ગુનાખોરીમાં સંડોવાયેલા રીઢા શખ્સોને પાસા હેઠળ જેલમાં ધકેલી દેવાના મહેસાણા જિલ્લા પોલીસ વડા તરૂણ દુગ્ગલે આપેલા આદેશ મુજબ મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ એસ.એસ.નિનામા તથા તેમની ટીમે મહેસાણા જિલ્લાના મારામારી, હત્યાની કોશિશ, લૂંટ, શરીર સંબંધી તેમજ મિલક્ત સંબંધી ગુન્હાઓમાં સંડોવાયેલા ડફેર મહેબુબ ઉર્ફે રજ્જુ આરબભાઇ સીંધી રહે. લશ્કરી કુવા, રાધનપુર ચોકડી, મહેસાણાવાળા વિરુદ્ધ પાસા હેઠળ દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજીસ્ટ્રેટ મહેસાણાનાઓને મોકલવામાં આવી હતી.
જે દરખાસ્ત અન્વયે જિલ્લા મેજીસ્ટ્રેટ મહેસાણા નાઓએ અસામાજિક પ્રવૃતિ આચરતા શખ્સ વિરુદ્ધ પાસા વોરંટ ઇસ્યુ કર્યુ હતું જે પાસાના વોરન્ટની બજવણી કરવા આદેશ મળતાં મહેસાણા એલસીબીના એએસઆઇ બિપીનચંદ્ર, શૈલેષભાઇ, હેડ.કો. નિલેશકુમાર, મહેન્દ્રકુમાર, પોકો. અબ્દુલગફાર, સહિતના સ્ટાફે ડફેર રજ્જુ આરબભાઇને રહે. લશ્કરી કુવા, રાધનપુર ચોકડી, મહેસાણાવાળાને ઝડપી પાડી મધ્યસ્થ જેલ રાજકોટ ખાતે મોકલી આપ્યોં હતો.