— રામપુરા પાટીયા પાસેથી 3 ઘરફોડીયાને ઝડપી 11 ગુનાનો ભેદ ઉકેલી ૪.૮૨ લાખના સોનાચાંદીના દાગીના રીકવર કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ :
ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લા સહિત શહેરમાં અનેક ઘરફોડ ચોરીઓ તેમજ લૂંટમાં સંડોવાયેલા દાહોદના રીઢા ત્રણ ગુનેગારોને મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યાં છે. આ રીઢા ઘરફોડીયા તસ્કરોના અન્ય સાગરીતો પણ છે જે મહેસાણા જિલ્લા સહિત ગુજરાતના પણ અનેક પોલીસ સ્ટેશનોમાં વોન્ટેડ છે. જેમને ઝડપી લેવામાં આખરે મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને સફળતાં મળી હતી. જેમાં જ્યાં મુદ્દામાલ રાખવા બાબતે સંડોવાયેલા શખ્સ સહિત 3 ઘરફોડીયાઓની ઉલટ તપાસ કરતાં એલસીબી પોલીસે તેમની પાસેથી સોના ચાંદીના વિવિધ દાગીના મળી કુલ રૂા. ૪,૮૨,૬૫૬ રૂપિયા ની કિંમતનો મુદ્દામાલ રીકવર કરી મહેસાણા એલસીબીની ટીમે પોતાની સફળતાં સાબિત કરી છે.
મહેસાણા શહેર સહિત જિલ્લામાં થતી ગુનાખોરીને ડામવા મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઇ એ.એમ.વાળાની સૂચના મુજબ મહેસાણા એલસીબી પી.આઇ રાતડા, એસ.બી.ઝાલા, એએસઆઇ રત્નાભાઇ, આશાબેન તથા પેરોલ ફર્લો સ્કોર્ડનો સ્ટાફ પોતાની અલગ અલગ ચાર ટીમો બનાવી પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન પીએસઆઇ એ.કે.વાઘેલા તથા હિંમતભાઇને ખાનગી બાતમી મળી હતી કે, મહેસાણાથી રામપુરા તરફ જતાં રોડ ઉપર લાખવડ પીકઅપ સ્ટેન્ડ પાસે ત્રણ શંકાસ્પદ શખ્સો જણાય છે.
જે બાતમીના આધારે એલસીબીની ટીમ ઘટના સ્થળે પહોંચી ત્રણેય શખ્સોને કોર્ડન કરી ઝડપી લીધા હતા જેમની પાસેથી પ્લાસ્ટીકની થેલીમાંથી સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી આવી હતી જે બાબતે પોલીસે કડકાઇથી પુછપરછ કરતાં અશ્વિન વિરસંગ કટારા, રાયમલ સમસુભાઇ બારીયા, વિનશ રામસંગ કટારા ત્રણેય રહે. વડવા નિશાળ ફળીયું તા.ગરબાડા, જીલ્લો દાહોદવાળા શખ્સોને ઝડપી લઇ તેમની વિરુદ્ધ મહેસાણા તાલુકા પોલીસે સીઆરપીસીની ધારા ૧૦૨ મુજબ ગુનો નોંધી વધુ પુછપરછ કરતાં આ ત્રણેય શખ્સો મહેસાણા જિલ્લા માં વિવિધ જગ્યાએ ૧ લૂંટ અને ૧૧ ઘરફોડ ચોરીઓ કરી હોવાની કબુલાત કરી હતી
અને આ મુદ્દામાલ દાહોદમાં આવેલ જેસાવાડા મુકામે સોની સંદિપ કનૈયાલાલને વેચતાં હોવાનો ખુલાસો થયો હતો. આ ત્રણેય રીઢા ઘરફોડીયા પાસેથી પોલીસે સોના ચાંદીના વિવિધ દાગીના મળી કુલ રૂા. રૂા. ૪.૮૨.૬૫૬નો મુદ્દામાલ રીકવર કરી મહેસાણાની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સફળ કામગીરી કરીહતી.
નોંધનીય છે કે, મહેસાણા એલસીબીએ ઝડપેલા આ ત્રણ ઘરફોડીયા શખ્સોની આ ગેંગ છે જેમાં નાસતાં ફરતાં આરોપીઓ પૈકી સુભાષ નાગરા કટારા, કમલેશ રામસીંગ કટારા, કમલેશ સાવસીંગ કટારા, તમામ રહે. વડવા તળાવ ફળીયું, તા. ગરબાડા. જિલ્લો દાહોદ, સંજય દલસંગ માવી, ગરબાડા, તથા આંબલી ગામે રહેતો અન્ય એક શખ્સ મળી 6 શખ્સો પણ આ ચોરી લૂંટના ગુનામાં સંડોવાયેલા હોવાનો પોલીસ સમક્ષ ખુલાસો કર્યો હતો. જ્યારે અન્ય એક આરોપી કે જે ચોરીનો મુદ્દામાલ વેચાણે લેતો સોની સંદીપ કનૈયાલાલ રહે. વ્રજધામ સોસાયટી, મંડાવ રોડ, દાહોદ વાળા વિરુધ્ધ પણ પોલીસે ગુનોે નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
તસવિર અને અહેવાલ : નાયક અક્ષય — મહેસાણા