કડી ખાતે રહેતો તમંચા સાથે ઝડપાયેલા શખ્સ વિરુદ્ધ કડીમાં ત્રણ તથા વિઠ્ઠલાપુરમાં ગુનો નોંધાયેલ છે
મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચે દેશી તમંચો અને કાર્ટીઝ કબજે કરી જેલમાં ધકેલ્યોં
ગરવી તાકાત, મહેસાણા તા. 27 – (Sohan Thakor) – મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલા રામપુરા હાઇવે રોડ પર લાખવડ ગામના પાટીયા પાસેથી દેશી હાથ બનાવટના તમંચા તથા કાર્ટીઝ સાથે એક શખ્સને મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે દબોચી લીધો હતો.
લોકસભાની ચૂંટણી અંતર્ગત કાયદો વ્યવસ્થાની કડક અને ચૂસ્તપણે અમલવારી કરી પ્રોહિબીશન, જુગાર, ગેરકાયદેસર પ્રવૃતિ આચરતા અસમાજિક તત્વોને ઝડપી પાડી જેલમાં ધકેલી દેવાના મહેસાણા જિલ્લા પોલીસવડા તરૂણ દુગ્ગલે આપેલા આદેશ મુજબ મહેસાણા એલસીબી પીઆઇ એસ.એસ.નિનામાના નેતૃત્વ હેઠળ એલસીબી પીએસઆઇ એમ.ડી.ડાભી, હેકો. વિજયસિંહ, કિરણજી, લાલાજી, રમેશભાઇ, પીસી અજયસિંહ, રવિકુમાર સહિતનો સ્ટાફ વિવિધ ટીમો બનાવી મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા.
તે દરમિયાન રામપુરા સર્કલ તરફ આવતાં હેકો. કિરણજી તથા વિજયસિંહ સંયુક્ત રાહે ખાનગી બાતમી મળી હતી કે, મહેસાણા રામપુરા હાઇવે લાખવડ ગામના પાટીયા પાસે દેશી બનાવટની તમંચા સાથે એક શખ્સ શંકાસ્પદ હાલતમાં ઉભો છે. જે બાતમીના આધારે મહેસાણા એલસીબીની ટીમ લાખવડ પાટીયા પાસે પહોંચી શંકાસ્પદ હાલતમાં ઉભેલા શખ્સને કોર્ડન કરી તેની તલાસી લેતા તેની પાસેથી હાથ બનાવટનો દેશી તમંચો તથા કાર્ટીઝ મળી આવી હતી.
જ્યારે તેનું નામ ઠામ પુછતાં પોતે શેખ કરીમખાન ઉર્ફે ભુરો મહંમદહુસેન રહે. કડી જુની મુન્સફ કોર્ટ તા. કડી વાળો હોવાનું જણાવ્યું હતું. એલસીબીની ટીમે ગેરકાયદેસર તમંચો રાખવા બદલ અટકાયત કરી મહેસાણા તાલુકા પોલીસે શસ્ત્ર અધિનિયમ કલમ 25 (1) (બી-એ) તથા જીપીએક્ટ કલમ 135 મુજબનો ગુનો નોંધી ઇસમને જેલમાં ધકેલ્યોં હતો.
દેશી તમંચા સાથે ઝડપાયેલા ભૂરાનો ગુનાહિત ઇતિહાસ
(1) કડી પોલીસ સ્ટેશનમાં ઇપીકો કલમ 507 મુજબ ધમકીઓ આપવાના ગુનો નોંધાયેલ છે.
(2) કડી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશન એક્ટ કલમ 65-એ,ઇ,81 મુજબ પરપ્રાંતિય દારૂનો ગુનો નોંધાયેલ છે.
(3) કડી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશન વિદેશી દારૂનો ગુનો નોંધાયેલ છે.
(4) બહુચરાજી તાલુકાના વિઠ્ઠલાપુર પોલીસ સ્ટેશનમાં 379 ચોરીના ગુનામાં પોલીસ ફરિયાદ નોંધાયેલ છે.