માણસા અને વિજાપુર પંથકમાં પાંચ બાઈક ચોરીનો ભેદ ઉકેલાયો

મહેસાણા એલસીબીએ બાતમીના આધારે નંદાસણ નજીકથી ચોરીના બાઈક સાથે એક શખ્સને ઝડપી લઈ તપાસ કરતાં માણસા અને વિજાપુરમાં થયેલી પાંચ બાઈક ચોરીનો ભેદ ઉકેલાયો છે. મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહીલની સૂચનાથી એલસીબી પીઆઈ બી.એચ.રાઠોડના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.કે.પટેલ,  ASI હીરાજી, રત્નાભાઇ, હે.કો. રાજેન્દ્રસિંહ, નરેન્દ્રસિંહ, નિલેશભાઈ, રશમેન્દ્રસિંહ, મહેન્દ્રભાઈ વગેરે સ્ટાફના માણસો નંદાસણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે હે.કો. નરેન્દ્રસિંહ તથા નિલેશભાઈને કડી બાજુથી પરમાર વિજયકુમાર નામનો શખ્સ નંબર વગરનું ચોરીનું બાઈક લઈને નંદાસણ બાજુ આવી રહ્યો છે.

પોલીસે વોચ ગોઠવી મોટર સાયકલ સાથે આવેલા આ શખ્સને ઊભો રાખી તપાસ કરતાં તે પરમાર વિજયકુમાર શકરજી (હાલ રહે. અણખોલ પાટિયા, શિવમ વે-બ્રિજ, તા.કડી તેમજ મૂળ રહે. દેલવાડા, તા.માણસા)નો હોવાનું ખૂલ્યું હતું. બાઈકના કાગળો તેની પાસે ન હોઈ શંકાસ્પદ હાલતમાં બાઈક કબજે લઈ તેની અટક કરી વધુ તપાસ હાથ ધરી હતી.

ઝડપાયેલા આ શખ્સે માણસા માર્કેટ યાર્ડના ગેટ નં.૨ની ગલીમાંથી એક બાઈક, ચાર વર્ષ પહેલાં વિજાપુર ટીબી રોડ પરની હાર્ડવેરની દુકાન આગળથી એક્ટિવા, બેથી અઢી વર્ષ પહેલાં માણસા કોલેજ શોપિંગ સેન્ટર આગળ પાર્કિંગમાંથી એક બાઈક, ત્રણ વર્ષ અગાઉ માણસા સરદાર શોપિંગના પાર્કિંગમાંથી એક બાઈક અને બે વર્ષ પહેલાં માણસા માર્કેટયાર્ડના ગેટ સામે શોપિંગ સેન્ટર આગળથી એક બાઈકની ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. પોલીસે એ દિશામાં આગળની કાર્યવાહી હાથ ધરી છે.