રાજ્યભરમાં અનેક ગ્રામ પંચાયતની ચુંટણીઓ યોજાવા જઈ રહી છે. જેને લઈ ફોર્મ ભરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. જેમાં મહેસાણા જીલ્લામાં યોજનાર અનેક ગ્રામ પંચાયતોની ચુંટણીના ફોર્મ ભરવાના શરૂ કરાયા છે. ત્યારે અત્યાર સુધી સરપંચના પદ માટે 200 કરતા વધારે ફોર્મ ભરાયા છે તો સભ્ય પદ માટે 400 કરતા વધારે ફોર્મ ભરવામાં આવ્યા છે.
મહેસાણા જીલ્લામાં બક્ષીપંચ, જનરલ,અનુ.જાતી. સ્ત્રી અનામત શીટોનુ લીસ્ટ જાહેર થતાં ચુંટણીમાં ભાગ લેવાનુ ઈચ્છતાં ઉમેદવારોએ ફોર્મ ભરવાનુ શરૂ કર્યુ છે. જીલ્લામાં 162 ગ્રામ પંચાયતોની ચુંટણી યોજાવા જઈ રહી છે. જેને લઈ અત્યાર સુધી સરપંચના પદ માટે 232 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે તો સભ્ય પદ માટે 472 ફોર્મ ભરાયા છે. જીલ્લામાં યોજાનાર ગ્રામ પંચાયતની ચુંટણીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 4 ડિસેમ્બરની હોવાથી આજે શુક્રવારે તથા આવતીકાલે ફોર્મ ભરવા માટે કચેરીઓમાં ઘસારાનુ પ્રમાણ વધી શકે છે.
અત્રે ઉલ્લખનીય છે કે, ગ્રામ પંચાયતની વસ્તી પ્રમાણે સીધે સીધે ગ્રાન્ટ ગ્રામ પંચાચતને ફાળવવાની થાય છે. જેમાં કરોડો રૂપીયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. જેથી સ્થાનીક સ્વરાજની ચુંટણી કરતા પણ ગ્રામ પંચાયતની ચુંટણી વધારે રસપ્રદ બની જતી હોય છે. આ ચુંટણીમાં કેટલાક ઉમેદવારો તો પાઘડીની લડાઈની માફક પણ લડે છે. જેને કારણે અનેક કિસ્સામાં બન્ને પક્ષો વચ્ચે કાયમી વેરના બીજ પણ રોપાઈ જતા હોય છે.