ગરવી તાકાત,મહેસાણા
મહેસાણા સહીત સમગ્ર રાજ્યમાં રોડ રસ્તાની કામગીરી કરતી પ્રાઈવેટ કંપનીઓની સરકારી તંત્ર સાથે સાઠગાંઠ હોવાનુ અગાઉ પણ સામે આવી ચુક્યુ છે. જેથી દર ચોમાસામાં રોડ તુટવાની ઘટનાઓ બનતી હોવા છતાં તેઓની વિરૂધ્ધ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. કેટલાક કીસ્સાઓમાં આ એજન્સીઓ વિરૂધ્ધ રોડની કામગીરીમાં સરકારની સાધન સામગ્રી ઉપયોગ કરતા હોવાના પણ આક્ષેપ લાગી ચુક્યા છે. એવામાં ફરિવાર મહેસાણામાં રાધે એસોશીએટ નામની કંપનીને આ પ્રકારની મદદ કરવામાં આવી રહી છે. જેમાં સરકારના મશીનો તથા માલ સામાન પ્રોવાઈડ કરવામાં આવ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સપ્ટેમ્બર માસમાં ગુજરાત પ્રવાશે આવવાના હોઈ, તેની પુર્વ તૈયારીઓમાં ગુજરાતનુ તંત્ર કામે લાગી ગયુ છે. જેમાં મહેસાણાના મોઢેરા તથા નડાબેટ જેવા વિસ્તારોમાં તેમના અલગ અલગ કાર્યક્રમો યોજાવાના છે. આ કાર્યક્રમોની પુર્વ તૈયારીના ભાગરૂપે મહેસાણા જીલ્લાના R&B ના અધિકારીઓને જાણે કે, મોદી સાહેબને વ્હાલા થવુ હોય તેમ તાત્કાલીક ગર્વમેન્ટ પ્લાન્ટમાંથી સરકારી માલ સામાનથી રોડ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જે કામગીરીનો કોન્ટ્રાક્ટ ખરેખર પ્રાઈવેટ કંપની રાધે એસોશીએટને આપવામાં આવ્યો છે. જેમાં રણેલાથી મહેસાણા તરફના 3 – 4 કિલોમીટરના અને રણેલાથી મોઢેરા તરફ 2 કિલોમીટરના વિસ્તારમાં આશરે 5થી7 કિલોમીટરનો રોડ તાત્કાલીક અસરથી બનાવી આપવામાં આવ્યો છે. આ બાબતે સદુથલાના એક વરિષ્ટ નાગરીકે અમારી ગરવી તાકાત ઓફિસનો સંપર્ક કરતાં અમારા પ્રતીનિધી દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હતી. જેમાં ઉપર મુજબની હકીકત તથ્ય જણાતાં ગરવી તાકાતના રીપોર્ટેરે R&B ના અધિકારી ડી.આર પટેલનો ટેલીફોનીક સંપર્ક કરવાની કોશીષ કરતાં તેમને ટેલીફોન ઉપાડવાનુ ટાળ્યુ હતુ.
R&Bના અધિકારીઓ કહ્યુ બાદમાં કંપનીના બીલમાંથી પૈસા કાપી લઈશુ
આ બાબતે અમારા એડીટર દ્વારા R&Bના મુખ્ય અધિકારી બી.એસ. પટેલનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યુ હતુ કે, વડાપ્રધાન આવવાના હોઈ તથા મહેસાણાથી મોઢેરા તરફના રોડનુ કામ કરતી રાધે એસોશીએટ પાસે પુરતા પ્રમાણમાં માલ સામાન, મશીનરી ના હોઈ અમે તેમની મદદ કરી હતી. વડાપ્રધાનના કાર્યક્રમના પગલે કામગીરી ઝડપથી પુરી કરવાની હોવાથી અમોએ સરકારી મશીનરીથી તથા મટીરીયલ ઈપીસી ધોરણે કામગીરી શરૂ કરેલ છે. આ કામગીરીમાં જે કોઈ ખર્ચ થશે તેનુ બીલ અમો રાધે એસોસીએટના બીલમાંથી કાપી લઈશુ, તેમ જણાવ્યુ હતુ.
પરંતુ આરએન્ડબીના એક્ઝીક્યુટીવ એન્જીનીયર બી.એસ. પટેલ સાથેની વાતચીતથી અનેક સવાલો ઉભા થયા છે. જેમાં કોન્ટ્રાક્ટવાળી કંપનીઓ પાસે પુરતુ મટીરીયલ, સાધન સામગ્રી, કે મેનપાવરની કમી હોવા છતાં તેઓને કરોડોના કોન્ટ્રાક્ટ ક્યા આધાર પર આપવામાં આવે છે ? ઉપરાંત દર વર્ષે ચોમાસા દરમ્યાન રોડ રસ્તાઓમાં ખાડાઓ પડી જતાં હોય છે. જેથી આવી કંપનીઓને બ્લેક લીસ્ટ કરવાની માંગ પણ ઉઠી છે, તેમ છતાં આવી કંપનીઓને સરકાર દ્વારા કેમ છાવરવામાં આવે છે? સરકારનુ આવુ જ કુણુ વલણ, શુ કોન્ટ્રક્ટવાળી કંપની તથા અધિકારીઓ/નેતાઓની મીલીભગત તરફ ઈશારો નથી કરતી ?
અગાઉ પણ રોડ પાસેના જંગલ કંટીગમાં સરકારી મશીનરીનો ઉપયોગ થયો હતો
તમને જણાવી દઈયે કે, રોડ પાસેના જંગલ કટીંગનો કોન્ટ્રાક્ટ આવી કંપનીઓને આપવામાં આવ્યો હતો. જેમાં પણ મોટાપાયે સરકારી મશીનરીનો ઉપયોગ કરાયો હતો. રોડ પાસેના જંગલ કટીંગની કામગીરીમાં સરકારી મશીનરીનો ઉપયોગ થયો હોવા છતાં કોન્ટ્રાક્ટવાળી કંપની પાસે કોઈ પણ પ્રકારનુ વળતર લેવાયુ છે કે કેમ ? તે પણ એક મોટો સવાલ આમ જનતામાં ઉઠ્યો હતો.
આ રોડ બનાવતી કંપની વિરૂધ્ધ અનેક વાર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા, તેમ છતાં કોઈ કાર્યવાહી નહી
મહેસાણાથી મોઢેરા તરફના ફોરલેન રોડની કામગીરી કરતી કંપની ઉપર હલ્કી ગુણવત્તાનો માલસામાન ઉપયોગ થતો હોવાનો આક્ષેપ લાગતાં,તેમના દ્વારા ઉપયોગ કરાતા સામાનની લેબમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં સામે આવ્યુ હતુ કે, આ કામગીરી દરમ્યાન લેયર પ્રમાણે માટી કામ થયુ નહોતુ જેથી બેઝ કાચો રહી ગયો છે, વોટરીંગ કે કોમ્પેક્શન પણ કરવામાં આવ્યુ નથી, માટીના સેમ્પલ પણ લેબમાં એક્ચુઅલ નહોતા આવ્યા, જીએબી મટીરીયલ ગ્રેડેશન પ્રમાણે નહોતુ, આ તમામ પ્રકારની ક્ષતીઓ સામે આવ્યા બાદ પણ સરકાર દ્વારા રોડ બનાવતી કંપની વિરૂધ્ધ કોઈ પગલા ભરવામાં નથી આવ્યા. જેથી આમ જનતામાં ચર્ચાઈ રહ્યુ છે કે, ગુજરાત રાજ્યના ડે.સીએમ નીતીન પટેલના માનીતા કોન્ટ્રાક્ટરો અધિકારીઓને મસમોટી ટકાવારી આપી ટેન્ડરો પાસ કરાવતા હોવાથી તેઓની વિરૂદ્દમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી શક્ય પણ નથી.