ગરવી તાકાત મહેસાણા : અમદાવાદમાં રહેતા અને જમીન લે વેચનો વ્યવસાય કરતા પ્રતિષ્ઠિત વ્યક્તિની ઇનોવા કારમાંથી મહેસાણા જિલ્લાના ચાંદરડા ગામ નજીક રોકડ એક કરોડ રૂપિયાની ધોળા દિવસે ચોરી થઈ જતા નંદાસણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ગત તા.૧૩ જુલાઈના બપોરે અઢી વાગ્યાના અરસામાં બનેલી ઘટનામાં બનાવની તપાસ મહેસાણા જિલ્લા સ્થાનિક ગુના શોધક શાખાને સોંપવામાં આવતા શાખાની ટીમે માત્ર સાત કલાકમાં જ ચોરીનો ભેદ ઉકેલી કાઢયો હતો.
પરંતુ સમગ્ર ઘટનામાં જે બાબત ઉજાગર થઈ છે તેમાં દાયકા જુના ભરોસાનું પણ ખુલ્લેઆમ ‘ખૂન’ કરી દેવામાં આવ્યું હોવાનો અનુભવ ફરિયાદીને થયો છે. “માલામાલ”થવાની લ્હાયમાં માલધારીના ‘દીકરા’ ચોરીના રવાડે ચડ્યા હોવાની બીના પ્રકાશમાં આવતા મહેસાણા જિલ્લામાં જ નહીં પરંતુ પાટણ જિલ્લામાં પણ આ સમગ્ર પ્રકરણની ચર્ચા જોર પકડી રહી છે. સમગ્ર બનાવવામાં પોલીસે કાર માલિકના ડ્રાઇવર સહિત પાંચ લોકોની ધરપકડ કરી છે જેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે.
અમદાવાદમાં રહેતા બાબુભાઈ સરતાનભાઈ દેસાઈ જમીન લે વેચનો વ્યવસાય કરે છે. જે હોય કલોલ તાલુકાના જાસપુર ગામ નજીકથી એક જમીન ખરીદી હતી. જે અંગેની એક કરોડ રૂપિયાની રકમ તેઓને જમીન માલિકને ચૂકવવાની હતી. જે રકમ તેઓ એક થેલામાં ભરી પોતાની ઈનોવા કાર લઈને નીકળ્યા હતા. તેઓ કાર લઇ પોતાની ચાંદરડા ખાતે આવેલા એક ફાર્મ ઉપર ગયા હતાં. જ્યાં તેઓએ પોતાની ઇનોવા કાર પાર્ક કરી હતી. કારમાંથી ઉતરીને બાબુભાઈ દેસાઈ પોતાના ડ્રાઇવર નાગજીભાઈ દેસાઈને સાથે લઈ પગપાળા ફાર્મ ઉપર બપોરે અંદાજે અઢી વાગ્યાના અરસામાં બેઠા હતા ત્યારે બાબુભાઈના મોબાઇલ ફોન ઉપર રીંગ વાગી હતી.
જેથી તેઓએ ફોન રિસીવ કરી વાત કરતા સામેથી કોઈએ કહ્યું હતું કે અમે તમારી વોચ કરતા હતા અને તમારી ગાડીમાં પડેલા રૂપિયા એક કરોડ કાઢી લીધા છે. અમે દેવાદાર વ્યક્તિ છીએ. અમોને પૈસાની જરૂર છે એટલે અમે આ કામ કર્યું છે. આમ કહીને સામેના વ્યક્તિએ ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. ફોન કટ થઈ જતા બાબુભાઈ દેસાઈ પોતાના ડ્રાઇવર નાગજીભાઈ સાથે કાર ઉપર આવ્યા હતા અને તપાસ કરતા કારની ડીકીમાં રાખેલો એક કરોડ રૂપિયા ભરેલો થયેલો ગુમ થઈ ગયો હતો. આથી તેઓએ નંદાસણ પોલીસ મથકે ચોરી અંગેની ફરિયાદ નોંધાવી હતી.
— બનાવની તપાસ સ્થાનિક ગુના શોધક શાખાને સોંપવામાં આવી :
નંદાસણ પોલીસ વખત તાબાના ચાંદરડા ગામ નજીક પ્રતિષ્ઠિત વ્યક્તિની કારમાંથી ધોળી ધરાર એક કરોડ રૂપિયાની ચોરી કરવાની ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી. એટલું જ નહીં ચોરી કરનારાઓએ કાર માલિકને મોબાઈલ ફોન ઉપર ઘટનાને અંજામ આપ્યા અંગેની જાણ પણ બિન્દાસ રીતે કરતા સમગ્ર બાબતની ફરિયાદ નંદાસણ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી. બનાવવાની ગંભીરતા જોતા ઘટનાની તપાસ જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચનાથી સ્થાનિક ગુનાશોધક શાખાને સોંપવામાં આવી હતી.
— એલસીબીની તપાસમાં કારચાલક નાગજી દેસાઈ ‘વિભીષણ’ ની ભૂમિકામાં દેખાયો :
રૂપિયા એક કરોડની બેખૌફ ચોરીની ઘટનાને અંજામ આપનાર લોકોને પકડી પાડવા માટે એલસીબીની ટીમે જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના મળતા જ પોતાના ચક્રો ગતિમાન કરી દીધા હતાં. સમગ્ર બનાવવામાં એલસીબીની નજરમાં કારનો ચાલક નાગજી દેસાઈ ‘વિભિષણ’ની ભૂમિકામાં દેખાતા તેની પોલીસે પૂછપરછ હાથ ધરી હતી. પોલીસે યુક્તિ-પ્રયુક્તિ સહિતનો ઉપયોગ કરતા આખરે ફરિયાદી બાબુભાઈ દેસાઈ પાસે ડ્રાઇવર તરીકે ફરજ બજાવતો નાગજી દેસાઈ ભાંગી પડ્યો હતો અને એક કરોડ રૂપિયા ઉઠાવવા માટે કેવી રીતે પ્લાન બનાવ્યો અને કોણે મદદ કરી તેના વટાણા વેરી દીધા હતા.
— નાગજી દેસાઈએ મોઢું ખોલ્યું અને ચોરીની ઘટનાને અંજામ આપતા તમામ લોકો પકડાઈ ગયા :
એક કરોડ રૂપિયાની રકમ ગુમાવનાર બાબુભાઈ દેસાઈના ડ્રાઇવર નાગજી દેસાઈએ પોલીસ સમક્ષ હકીકત બયાન કરતા જણાવ્યું કે, એક કરોડ રૂપિયાની રકમ ગાડીમાં પડી છે તે અંગેની જાણ તેણે તેના મિત્ર કૌશલ કાનજી દેસાઈને કરી હતી. જેથી કૌશલ તેમજ તેનો ભાઈ ફુલેશ કાનજી દેસાઈ નંબર પ્લેટ વગરનું એક્સેસ લઈ ચાંદરડા ગામ નજીક આવ્યા હતાં. જ્યાં તેણે ઇનોવાની ડેકી ખોલી આપતાં બંને જણ એક કરોડની રકમ લઇ ત્યાંથી નીકળી ગયા હતા. જે બાદ પોલીસે ચોરીમાં સામેલ અન્ય એક મહિલા સહિત કુલ પાંચ લોકોની ધરપકડ કરી લીધી હતી.
— આ પાંચ લોકોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો, એક કરોડની રકમ પણ રિકવર કરાઈ :
(૧) રબારી નાગજી મોતીભાઈ (૨) દેસાઈ કૌશલ કાનજીભાઈ (૩) દેસાઈ ફુલેશ કાનજીભાઈ (૪) દેસાઈ કાનજી જીવાભાઇ અને (૫) કોમલ કાનજીભાઈ દેસાઈની પોલીસે ધરપકડ કરી છે. જેમાંથી નાગજીના ભાગના 60 લાખ રૂપિયા અમદાવાદમાં કૌશલ દેસાઈ પાસેથી જ્યારે 40 લાખ રૂપિયા પાટણમાં ફુલેશ, કોમલ અને કાનજી દેસાઈ પાસેથી કબજે કરવામાં આવ્યા છે. ઉપરાંત પોલીસે તેમની પાસેથી ₹3 લાખ રૂપિયાની બલેનો કાર પણ કબજે કરી છે.
— મહેસાણા એલસીબીના આ જાંબાજ અધિકારી કર્મચારીઓએ પ્રશંસનીય કામગીરી કરી :
એક કરોડ રૂપિયાની ચોરીનો ભેદ મહેસાણા સ્થાનિક ગુના શોધક શાખાની ટીમે માત્ર સાત કલાકમાં ઉકેલી નાખ્યો હોવાની વાત સપાટી ઉપર આવી છે. આ પ્રશંસા પાત્ર કામગીરી વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક આર.આઇ.દેસાઇ, એલસીબી શાખાના જાંબાજ પીઆઇ એ.એમ.વાળા, પીએસઆઇ એસડી રાતડા, પીએસઆઇ આર.જી. ચૌધરી, એ.એસ.આઇ દિનેશભાઈ, તેજાભાઈ, દિલીપસિંહ, આશાબેન, રોહિતકુમાર, હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઈ, નિલેશભાઈ, હેમેન્દ્રસિંહ, સનીભાઈ તેમજ કોન્સ્ટેબલ હિંમતભાઈ, મહેશભાઈ અને કિરીટસિંહે પાર પાડી હતી.
તસવિર અને અહેવાલ : પિન્ટુભાઈ દેસાઈ – મહેસાણા