મહેસાણા જિલ્લા પોલીસ પરિવાર દ્વારા અંબાજી જતાં માઇભક્તો માટે સેવા કેમ્પ ખુલ્લો મુકાયો
પ્રથમવાર મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીના નેતૃત્વમાં મહેસાણા જિલ્લા પોલીસતંત્ર દ્વારા પણ ભક્તો માટે સેવા કેમ્પનું સુંદર આયોજન કરાયું
ગરવી તાકાત, મહેસાણા તા. 26 – સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દર ભાદરવી પૂનમના મેળામાં સમગ્ર ગુજરાતભરમાંથી લાખોની સંખ્યામાં યાત્રાળુઓ પગપાળા ચાલીને માં અંબાના ધામમાં પહોંચે છે. અંબાજી ભાદરવી પૂનમના મેળાનું અનેરું મહત્વ રહેલું હોવાથી લાખોની સંખ્યામાં માઇભક્તોનો પ્રવાહ પદયાત્રા કરી અંબાજી પહોંચે છે. ત્યારે પદયાત્રા કરી યાત્રાધામ અંબાજી પહોંચતાં યાત્રાળુઓને કોઇ મુશ્કેલી ન પડે તે માટે ભક્તો માટે વિવિધ સંગઠનો, એનજીઓ, દાતાઓ દ્વારા ચા, પાણી, નાસ્તો, ભોજન, ન્હાવા ધોવા માટે, આરામ કરવા માટે તેમજ મેડીકલ કેમ્પ સહિતના વિવિધ કેમ્પોનું આયોજન કરવામાં આવે છે.
જેથી ભક્તોને કોઇ પ્રકારની અગવડતાં ન પડે ત્યારે આ વર્ષે સૌ પ્રથમવાર મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીના નેતૃત્વમાં મહેસાણા જિલ્લા પોલીસતંત્ર દ્વારા પણ ભક્તો માટે સેવા કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં મહેસાણા જિલ્લા પોલીસતંત્રના કર્મચારીઓ અધિકારીઓ માં અંબાના ભક્તોની સેવા કરવા માટે જાેતારાયાં છે. મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીની માતાજીની સેવા કરવાની આ અનોખી પહેલ સૌ પ્રથમવાર મહેસાણા જિલ્લા પોલીસતંત્રમાં જાેવા મળી છે.
ભાદરવી પૂનમ નિમિત્તે અંબા ભવાનીના દર્શનાર્થે જતાં ધર્મપ્રેમી ભક્તો માટે મહેસાણા જિલ્લા પોલીસ પરિવાર દ્વારા તા. ૨૪-૦૯-૨૦૨૩ના રવિવારના રોજ સાંજે પાંચ કલાકે મરચન્ટ કોલેજની બાજુમાં પેટ્રોલપંપ પાસે, વિસનગર રોડ ખાતે સુંદર સેવા કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યોં હતો. મહેસાણા જિલ્લા પોલીસવડા તેમજ સાંસદ અનેધારાસભ્યોએ માતાજીની આરતી ઉતાર્યા બાદ દિપ પ્રાગટ્ય કરીને અંબાજી જતાં ભક્તો માટે કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યોં હતો. અંબાજી પદયાત્રા જતાં માઇભક્તોની સેવામાં મહેસાણા જિલ્લા પોલીસતંત્ર પોતાનું અનોખું યોગદાન આપી રહ્યું છે.
મહેસાણા જિલ્લા પોલીસવડાના નેતૃત્વમાં સતલાસણા પોલીસ સ્ટેશન વિસ્તાર સુધી જિલ્લા પોલીસતંત્ર ભક્તોની સેવા માટે ચોવીસ કલાક ખડેપગે રહી ભક્તોને સેવા પુરી પાડવામાં આવી રહી છે. તો જિલ્લાના વિવિધ વિસ્તારમાં પોલીસ સ્ટેશન વિસ્તાર વાઇઝ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આમ મહેસાણા જિલ્લા પોલીસતંત્રની માં ના ભક્તોની સેવા કરવાની કરાયેલી આ આગવી પહેલને સમગ્ર મહેસાણા જિલ્લાના નાગરીકો આવકારી રહ્યાં છે અને જિલ્લા પોલીસવડા અચલ ત્યાગી તથા મહેસાણા જિલ્લા પોલીસતંત્રના કર્મચારીઓ અને અધિકારીઓની આ સેવા કરવાનીની ભાવનાને બિરદાવી રહ્યાં છે.
આ સેવા કેમ્પમાં મહેસાણા લોકસભાના સાંસદ શારદાબેન પટેલ, મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઇ પટેલ, ઓબીસી ભાજપ સેલના પ્રમુખ મયંક નાયક, મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગી, એસઓજી પીઆઇ એ.યુ.રોઝ, એલસીબીના એચ.એલ.જાેષી, ગુજરાતી સિંગર કાજલ મહેરીયા સહિત મહેસાણા જિલ્લા પોલીસતંત્રના કર્મચારીઓ માઇભક્તોના સેવા કેમ્પના શુભારંભ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.