મહેસાણા જીલ્લાના સરપંચો, ઉપસરપંચો તથા તાલુુકા પંચાયતના એક સભ્ય ઉપર નાણાકીય ઉચાપતના આક્ષેપ લાગ્યા હતા. આ આક્ષેપોને પગલે જીલ્લા વિકાસ અધિકારીએ પગલા ભરી 3 સરપંચ તથા 2 ઉપસરપંચને પદભ્રષ્ટ કર્યા છે. મહેસાણા જીલ્લા વિકાસ અધિકારી સામે કુલ 7 સરપંચ, 3 ઉપસરપંચ તથા 1 તાલુકા પંચાયતના સભ્ય વિરૂદ્ધ ભ્રષ્ટાચારની ફરિયાદો આવી હતી. જેને પગલે ડીડીઓએ કેસનુ જજમેન્ટ આપ્યુ છે.
મહેસાણા જીલ્લાના જોટાણા તાલુકાના બાલસાસણ ગામના સરપંચ જસવંતભાઈ જોઈતાભાઈ પટેલ વિરૂધ્ધ દબાણ અને અન્ય કામોમાં ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા હતા જેને પગલે સસ્પેન્ડ કરાયા છે. આ સીવાય મહેસાણા તાલુકાના રૂપાલ(કુકસ) ગામના સરપંચ લીલાબેન ભરતભાઇ ચૌધરી દબાણ મામલે, વડનગર તાલુકાના વલાસણા ગામના સરપંચ પ્રવિણસિંહ લક્ષ્મણસિંહ રાઠોડ વિરૂધ્ધ આર્થીક ભ્રષ્ટાચારના આરોપ સીધ્ધ થતાં ડીડીઓએ તેમને સસ્પેન્ડ કર્યા છે. તથા ખેરાલુ તાલુકાના સાગથલા ગામના ઉપસરપંચ ભીખાભાઇ માણકાભાઇ પટેલ પોલીસ પર કરેલા હુમલા મામલે, વિસનગર તાલુકાના વાલમ ગામના ઉપસરપંચ હાર્દિક જસવંતભાઇ પટેલ સામે દૂધ મંડળીમાં આર્થીક ભ્રષ્ટાચાર આચરવાનો ગુનો સાબીત થતાં તેમને પણ પદ પરથી હટાવવાનો આદેશ આપ્યો છે.
6 હોદ્દેદારો સામે આક્ષેપો સાબિત નહી થતા ફાઈલ દફતરે કરવા આદેશ
અત્રે ઉલ્લેખનીય છે કે, મહેસાણા ડીડીઓ ડો.ઓમ પ્રકાશે મહેસાણાના વડસ્મા, આંબલિયાસણ, ઊંઝાના સુણોક, વિસનગરના રાલીસણા એમ કુલ 4 ગામના સરપંચ અને વિસનગરના સેવાલીયાના ઉપસરપંચ તેમજ સતલાસણા તાલુકા પંચાયતના સદસ્ય સામેના આક્ષેપો સાબિત નહી થતાં 6 હોદ્દેદારોને પાઠવેલ નોટીસ પરત લઈ કેસ દફ્તરે કરવાનો નિર્ણય લીધો છે.