મહેસાણા ફાયર વિભાગના કૌભાંડમાં રોજે રોજ નવા વળાંકો આવી રહ્યા છે. જેમાં આજ રોજ કોન્ટ્રાક્ટ પર કામ કરતા ફાયર વિભાગના કર્મચારીઓએ ચીફ ઓફીસરને આવેદનપત્ર આપી જણાવ્યુ છે કે, આ ભ્રષ્ટાચારમાં તેઓનો કોઈ ભુમીકા નથી. જેમાં તેમને મીડિયા રીપોર્ટ અને વિપક્ષના આરોપોને પણ આધારહીન જણાવ્યા હતા. તો બીજી તરફ આ કૌભાંડ મામલે તોરણવાળી ચોકે ઉપવાસ બેસેલા કોંગ્રેસના કાર્યકર્તાઓને પોલીસે અટકાયત કરી લીધી હતી. આ કૌભાંડમાં યોગ્ય તપાસની માંગ સાથે મેઘા પટેલ, ભૌતીક ભટ્ટ, ઘનશ્યામ સોલંકી અને અન્ય બે કોંગ્રેસી કાર્યકરો ઉપવાસ પર બેઠ્યા હતા. જેમાં પોલીસ દ્વારા કોરોના ગાઈડ લાઈન આગળ ધરી પ્રતિક ઉપવાસને અડધો કલાકની અંદર જ રફેદફે કરી દેવામાં આવ્યુ હતુ.
મહેસાણા ફાયર વિભાગના કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારી પાસેથી 25-25 હજાર રૂપીયા ઉઘરાવવા મામલો સામે આવતાની સાથે જ ફાયર ડ્રાઈવર તરીકે કામ કરતા નિરવ પટેલ અને સહાયક ફાયર મેન તરીકે ફરજ બજાવતા મહેશ ચૌધરીને તત્કાલ અસરથી ટર્મીનેટ કરી દેવાયા હતા. આ કાર્યવાહીને પગલે નગરપાલીકાના પ્રમુખે જણાવ્યુ હતુ કે, બન્ને કર્મચારીઓએ અન્ય 17 જ પાસેથી 11 માસ પર નોકરી કરવી હોય તો 25-25 હજાર રૂપીયા આપો તેમ કબુલ્યુ હતુ માટે તેમની વિરૂધ્ધ પગલા ભરવામાં આવ્યા છે.

ફાયર વિભાગના કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓનુ આવેદનપત્ર કોઈના દબાણ હેઠળ તો નથી આવ્યુ ને ? તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે. કેમ કે, આ ભ્રષ્ટ્રાચારના આરોપ 8 હજારમાં કામ કરતા કર્મચારીઓ પર નહી પરંતુ મોટા માથાઓ ઉપર લાગ્યા હતા. જેમાં નોકરીની લાલચ આપી પૈસા ઉઘરાવવામાં આવી રહ્યા હતા તથા તે પૈસાથી ટુરનુ આયોજન કરવાની વાત પણ સામે આવી હતી. તેમ છતાં કોન્ટ્રાક્ટ પર કામ કરતાં કર્મચારીઓ ભ્રષ્ટાચારના આરોપોને પોતાના માથે ઓઢી કેમ સ્પષ્ટતા આપી રહ્યા છે ?
આ પણ વાંચો – નગરપાલીકાના કૌભાંડમાં સ્થાનિક પોલીસ દ્વારા FIR દાખલ નહી થતાં ACBમાં કોંગ્રેસની રજુઆત, કહ્યુ : ના છુટકે હાઈકોર્ટનો સહારો લેવો પડશે !
નગરપાલીકાના ચીફ ઓફીસરને એબી એન્ટરપ્રાઈઝના 16 જેટલા કર્મચારીઓએ આવેદન આપી જણાવ્યુ છે કે, તેમના એક સહકર્મીને કેન્સરની બીમારી હોવાથી તેના ઈલાજ માટે પૈસાની ઉઘરાણી કરવામાં આવી રહી હતી. પરંતુ વારંવાર પૈસા ઉઘરાવવા છતાં કેટલાક લોકોએ પૈસા નહોતા આપી રહ્યા જેથી તેમને મજાકમાં નોકરીમાંથી કાઢી મુકવાનુ કહ્યુ હતુ. કરાર આધારીત કર્મચારીઓએ એવુ પણ ઉમેર્યુ હતુ કે, આ મામલે મીડિયા રીપોર્ટના કારણે અમે માનસીક તણાવ અનુભવીયે છીયે.

સદર આવેદન પત્ર દ્રારા કૌભાંડ પર પડદો પાડવાનુ કામ થઈ રહ્યુ હોય તેમ જણાઈ રહ્યુ છે. કેમ કે એક પણ જગ્યાએ નગરપાલીકામાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓ ઉપર આરોપ નથી મુકવામાં આવ્યો. સંદેહના દાયરામાં તો મોટા માથાઓ જ રહ્યા છે. જેથી આ આવેદનપત્ર તેઓએ કોઈના દબાણમાં આપ્યુ હોવાની શંકા પણ સેવાઈ રહી છે.

આ બાબતે કોંગ્રેસે જણાવ્યુ હતુ કે, આજે ભારતીય જનતા પાર્ટીએ પોતાનો ભ્રષ્ટાચાર છુપાવવા કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓ પર દબાણ લાવી આ પ્રકારના આવેદનપત્રો અપાવી રહી છે. જેમાં તેઓ આવેદનપત્ર મારફતે વિપક્ષ સહીત દરેક મીડિયા રીપોર્ટને પણ ખોટા સાબીત કરવા માંગી રહ્યા છે. અમારી લડાઈ નાના કર્મચારીઓ સાથે નથી કોંગ્રેસે એમ પણ ઉમેર્યુ હતુ કે, જો આ મામલે કોઈ જ ભ્રષ્ટાચાર જો નથી થયો તો ભારતીય જનતા પાર્ટી તપાસથી કેમ ભાગી રહી છે, કોઈ પણ ગુના વગર 2 કર્મચારીઓને સસ્પેન્ડ કેમ કરી દીધા ? તેવા આરોપ મુક્યા હતા.