ગરવી તાકાત મહેસાણા: મહેસાણા જિલ્લામાં કીટ નાશક અને કૃષિપાકોમાં રોગ પ્રતિકારક દવાઓનો વિતરણ માટે 840 જેટલાં લાયસન્સ ખેતીવાડી વિભાગે ઈશ્યૂ કરેલાં છે. પરંતુ, પ્રાકૃતિક અને સજીવ ખેતીનો વ્યાપ વધારવાના માહોલ વચ્ચે 17 પ્રકારની ઝેરી દવાઓના વેચાણ ઉપર પ્રતિબંધ મુકાયો છે. આ ઝેરી દવાઓ કૃષિ પેદાશોના ઉપભોકતાઓમાં કેન્સર સહિતની ગંભીર બીમારીઓ માટે કારણભૂત બની શકે છે. આરોગ્ય માટે ખતરારૂપ આ ઝેરી દવાઓનું વેચાણ કરનાર વેપારીઓ વિરુધ્ધ કાર્યવાહી કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.
નોંધપાત્ર છે કે, લીલાં શાકભાજી, ઘઉ સહિતનાં ધાન્ય, વરિયાળી, જીરુ તેમજ અન્ય પાકોને રોગચાળાથી બચાવવા માટે ખેડૂતો મોટાપાયે ઝેરી અને રાસાયણિક દવાઓનો ઉપયોગ કરે છે અને આ દવાઓ વિતરકોના ત્યાં સરળતાથી ઉપલબ્ધ થાય છે. માનવ જાતિ ઉપરાંત પશુઓના આરોગ્ય માટે ખતરારૂપ દવાઓ વેચાણ નહીં કરવાની શરતે કૃષિ વિભાગ દ્વારા એગ્રો સેન્ટરોને દવાઓનું વેચાણ કરવા પરવાનગી આપવામાં આવે છે. આરોગ્ય માટે નુકશાન કરનાર 17 પ્રકારની રાસાયણિક દવાઓનાં વેચાણ અને ઉપયોગ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
— ચાર કલરનાં લેબલ, લાલ રંગધારી વજર્ય:
કૃષિપાકોને રોગચાળાથી બચાવવા માટે વપરાતી રાસાયણિક દવાઓને ચાર કેટેગરીમાં વહેંચવામાં આવી છે. રાસાયણોની બોટલ ઉપર વિવિધ રંગોનાં નિશાન પણ કરાય છે. લીલા રંગનું લેબલ ઈકો ફ્રેન્ડલી મનાય છે. જયારે વાદળી રંગના લેખલધારી દવાઓ ચલાવી લેવાય તેવી કેટેગરીમાં આવે છે. પીળા રંગની દવાઓ જોખમી હોય છે. પરંતુ, તેમનો ના છૂટકે જ ઉપયોગ કરાય છે. જયારે લાલ રંગનાં લેબલ ધરાવતી રાસાયણિક દવાઓનો ઉપયોગ વજર્ય છે.
— પાકનાં મિત્ર કીટકોના પણ વિનાશ થાય છે:
કૃષિપાકોમાં ફેલાયેલાં કેટલાંક ઉત્પાદન માટે મિત્રતાની ભૂમિકા ભજવે છે. મધમાખી સહિતનાં કીટકો તેમજ તૈયાર થનાર પાક ઉપર ઉડાઉડ કરતાં ઢોલિયા પ્રકારનાં જંતુઓ પણ કૃષિપાકોને નુકશાન કરતાં નથી અને ફાયદાકારક છે. ઝેરી દવાઓ આ મિત્ર કીટકોનો પણ વિનાશ વેરે છે. માટે તેમના ઉપર પ્રતિબંધ મુકાય તે જરૂરી છે. હવે, 17 પ્રકારની ઝેરી દવાઓનો ઉપયોગ નહીં કરી શકાય.
તસવિર અને આહેવાલ : નાયક અક્ષય- મહેસાણા