હત્યાના કેસમાં પેરોલ પર છૂટ્યા બાદ જેલથી બચવા ઠાકોરમાંથી મારવાડી બની છૂપાવેશમાં રહેતા આરોપીને દબોચી લેવાયો
અમદાવાદ મધ્યસ્થ જેલમાં કડી તાલુકાના ધુમાસણ ગામનો આરોપી જેલમાં પાકા કામના કેદી તરીકે સજા કાપી રહ્યો હતો
જેલમાંથી પેરોલ પર છૂટ્યા બાદ છેલ્લા બે વર્ષથી રાજસ્થનનો મારવાડી બની છત્રાલ જીઆઇડીસીમાં મજૂરી કરતો હતો
મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે હત્યા કરી બે વર્ષથી ફરાર આરોપીને દબોચી લઇ ફરી જેલમાં ધકેલ્યોં
મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમ છત્રાલ જીઆઇડીસીમાં પહોંચી તો મારવાડી ભાષા બોલતો હોઇ પોલીસની ટીમ પણ ગોઠેં ચડી હતી
ગરવી તાકાત, મહેસાણા તા. 06 – (Sohan Thakor) અમદાવાદ મધ્યસ્થ જેલમાં હત્યાના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલો કેદી પેરોલ પર રજા ઉપર પોતાના ઘરે આવ્યો હતો પરંતુ પેરોલ પૂરા થવા છતાં જેલમાં હાજર ન થઇ છેલ્લા બે વર્ષથી પોતાનું નામ બદલી મારવાડી ભાષા બોલી વેશ પલટો કરી નાસતા ફરતા આરોપીને મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે ઝડપી પાડી ફરી જેલમાં ધકેલી દીધો હતો.
વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા અને પોલીસ પકડથી નાસતા ફરતા તેમજ પેરોલ પર છૂટી પરત હાજર ન થયેલા નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડી ફરી જેલમાં ધકેલી દેવાના મહેસાણા જિલ્લા પોલીસવડા ઋષિકેશ ઉપાધ્યાયે આપેલા આદેશ મુજબ મહેસાણા એલસીબી પી.આઇ એસ.એસ.નિનામાના નેતૃત્વ હેઠળ મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડની પીએસઆઇ એન.પી.પરમાર, એએસઆઇ નરેન્દ્રસિંહ, ચેતનકુમાર, રાજેન્દ્રસિંહ, દિનેશજી, હેકો. રશ્મેન્દ્રસિંહ, જયદિપસિંહ, મુકેશકુમાર, પીસી. રવિકુમાર, જીગ્નેશભાઇ, એએસઆઇ કાન્તીભાઇ સહિત પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમ વિવિધ ટીમો બનાવી ફરાર આરોપીઓને ઝડપી લેવાની કામગીરીમાં હતા.
તે દરમિયાન એએસઆઇ નરેન્દ્રસિંહ તથા હેકો. રશ્મેન્દ્રસિંહને ખાનગી રાહે સંયુક્ત બાતમી મળી હતી કે, અમદાવાદ મધ્યસ્થ જેલનો પાકા કામનો કેદી પેરોલ પર છૂટી હાજર ન થયેલો આરોપી ઠાકોર નટુજી શંકરજી રહે. ધુમાસણ તા.કડીવાળો ગાંધીનગર જીલ્લાના છત્રાલ જીઆઇડીસીમાં ફેજ-04, રિદ્ધી પ્લીઝ કંપનીમાં નોકરી કરે છે જે બાતમીના આધારે મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમ છત્રાલ જીઆઇડીસી પહોંચી હતી જ્યાં આરોપીને કોર્ડન કરી તેનું નામ પુછતાં મેઘવાલ સખારામ જગમલજી રહે. બીસલપુર તા. બાલી , જિલ્લો પાલીવાળો હોવાનું જણાવ્યું હતું અને પોતે મારવાડી ભાષા બોલતો હોઇ તેની પાસે ઓળખપત્ર માંગતા આરોપીઓ વધુ ખોટુ બોલતાં જણાવ્યું હતું કે આજથી બે માસ અગાઉ રેલવેમાં મુસાફરી દરમિયાન તેનું ઓળખપત્ર ગુમ થઇ ગયું હતું હાલમાં તેની પાસે ઓળખપત્ર નથી.
જેથી પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે બાતમીદાર પાસેથી વધુ માહિતી મેળવ્યાં બાદ ઠાકોર નટુજી શંકરજીને પકડીને ઘુમાસણ ગામમાં લઇ જઇ તેના મોટા ભાઇ ઠાકોર જગાજી શંકરજી તથા તેના કાકા ઠાકોર કાળાજી કેશાજી તથા જેની હત્યા કરી હતી તે ઠાકોર પશાભાઇ બબાજીના સગા ભત્રીજા કાળુજી જીવણજી ઠાકોરને પુછતાં તમામે તેને ઠાકોર નટુજી શંકરજી હોવાનું જણાવ્યું હતું.