મહેસાણાના વીજાપુરમાં પ ઇંચ, અમદાવાદના દેત્રોજમાં ૪ ઇંચ, વડોદરાના કરજણ, ખેડાના માતર, મહેસાણાના બેચરાજી તથા સાબરકાંઠાના પ્રાંતિજમાં ૩ ઇંચ વરસાદ નોંધાયો

ધ્રાંગધ્રા અને ભેંસાણમાં બે ઇંચ, માણાવદર, વડીયા, હળવદ, અમરેલીમાં પોણા બે ઇંચ, વાંકાનેર, વલ્લભીપુર, દસાડા અને ભાવનગરમાં એક ઇંચ વરસાદ

ગુજરાત રાજ્યમાં મેઘરાજાનું આગમન થઇ ગયું હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૨૨ જિલ્લાઓમાં સાર્વત્રીક વરસાદ પડયો છે. જેમાં મહેસાણાના વીજાપુરમાં પ ઇંચ, અમદાવાદના દેત્રોજમાં ૪ ઇંચ, વડોદરાના કરજણ, ખેડાના માતર, મહેસાણાના બેચરાજી તથા સાબરકાંઠાના પ્રાંતિજમાં ૩ ઇંચ વરસાદ નોંધાયો છે. તાલુકા વાઇઝ જોઇએ તો કુલ ૧૮૬ તાલુકામાં મેઘ મહેર થઇ છે. જેમાંથી ૧૭ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. સમગ્ર રાજયમાં વરસાદી વાતાવરણ જામી રહ્યું છે. મોટાભાગનાં જિલ્લાઓમાં મેઘરાજાની પધરામણી થઈ ચુકી છે જેમાં છેલ્લા ૨૪ કલાકમાં રાજયનાં મોટાભાગનાં વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. ખાસ કરીને મહેસાણાનાં વીજાપુરમાં સૌથી વધુ ૫ ઈંચ વરસાદ નોંધાયો હતો. આ વરસાદનાં કારણે ઠેર-ઠેર પાણી ભરાયા હતા અને નદીઓમાં પુર જેવી સ્થિતિ પણ આવી હતી જયારે અમદાવાદનાં દેત્રોજમાં પણ ૪ ઈંચ વરસાદ નોંધાયો હતો જયારે વડોદરાનાં કરજણમાં પણ ૩ ઈંચ જેટલો વરસાદ પડયો છે. અમદાવાદની વિગતો જોઈએ તો શહેરનાં સેટેલાઈટ ચોક, જોધપુર, પ્રહલાદનગર, બોપલ, મણીનગર, નહે‚નગર, ઈસ્કોન, બોડકદેવ, વસ્ત્રાપુર સહિતનાં પૂર્વ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડયો હતો સાથે પવન પણ ફુંકાયો હતો જયારે વડોદરામાં પણ મોટાભાગનાં વિસ્તારોમાં વિજળીનાં કડાકા-ભડાકા સાથે વરસાદ ખાબકયો હતો. રાજયનાં પાટનગર ગાંધીનગરનાં વિવિધ વિસ્તારોમાં પણ મેઘરાજાની જમાવટ જોવા મળી હતી. સૌરાષ્ટ્રમાં વરસાદની સ્થિતિ જોઈએ તો સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ધ્રાંગધ્રામાં બે ઈંચ વરસાદ પડયો હતો. ભેંસાણમાં પણ બે ઈંચ વરસાદ નોંધાયો હતો. આ વરસાદથી ઠેર-ઠેર પાણી વહેતા થઈ ગયા હતા. લોકોએ ગરમીમાંથી રાહત પણ અનુભવી હતી બીજી તરફ માણાવદર અને વડિયામાં પોણા બે ઈંચ વરસાદ નોંધાયો હતો. હળવદ અને અમરેલીમાં દોઢ ઈંચ, વાંકાનેર, વલ્લભીપુર, દસાડા, ભાવનગરમાં એક-એક ઈંચ વરસાદ પડયો હતો જયારે ગોંડલ, મેંદરડા, લાઠી, ઘોઘા, બરવાળા, ઉમરાળા, તાલાલા, બગસરા અને સિંહોરમાં પોણો ઈંચ વરસાદ નોંધાયો હતો જયારે જુનાગઢ, મહુવા, તળાજા અને ધોરાજીમાં અડધો ઈંચ વરસાદ પડયો હતો. સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજયમાં વરસાદી વાતાવરણ જામતા લોકો આનંદમાં આવી ગયા છે. અસહય બફારામાંથી લોકો રાહત અનુભવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ઘણા વિસ્તારોમાં સારો વરસાદ થતા ખેડુતોએ વાવણીનાં શ્રીગણેશ પણ કરી નાખ્યા હતા.

મુંબઇમાં ભારે વરસાદને લઈને ૪૮ કલાક રેડ એલર્ટ

મહારાષ્ટ્રમાં ચોમાસાનો વિધિવત રીતે પ્રારંભ થઈ ગયો છે. ચોમાસું આગળ વધતા હવે મુંબઈમાં જોરદાર વરસાદ પડવાની શકયતા છે. મુંબઈ સહિત ઉતર કોકણમાં વાદળો છવાયેલા રહેશે જયારે મોટાભાગનાં વિસ્તારો વરસાદનાં હળવાથી વધારે ઝાપટા પડી શકે છે જોકે હવામાન વિભાગનાં જણાવ્યા મુજબ મુંબઈમાં આગામી ૪૮ કલાક ભારે વરસાદને લઈ રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. દક્ષિણ-પશ્ર્ચિમ મોનસુનમાં એવી પરિસ્થિતિ બની છે કે, આવનારા ૪૮ કલાકમાં મુંબઈ સહિત મહારાષ્ટ્રનાં બાકીનાં ભાગોમાં ધોધમાર વરસાદ પડી શકે તેમ છે. આ ઉપરાંત મુંબઈ મહાનગરપાલિકા દ્વારા કેટલીક જગ્યાએ વિજળીનાં કડાકા ભડાકા સાથે ૩૦ થી ૪૦ કિલોમીટરની ઝડપે પવન સાથે વરસાદ પડશે તેવી પણ ચેતવણી આપી છે. મુંબઈમાં આગામી ૪૮ કલાક ભારે વરસાદને પગલે રેડ એલર્ટ જાહેર કરાયું છે. દક્ષિણ-પશ્ર્ચિમ મોનસુન અરબી સમુદ્રનાં મધ્ય ભાગથી દક્ષિણ સુધી મોટરેટ સ્ટ્રોંગ છે જેથી ભારે વરસાદ થવાની ચેતવણી જાહેર કરાઈ છે.

ખેડૂતોએ કર્યા વાવણીના શ્રી ગણેશ

સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી હળવા ભારે વરસાદ સાથે કેટલાક વિસ્તારોમાં ખેડૂતોએ વાવણીના શ્રી ગણેશ કરી દીધા છે. કેટલાક વિસ્તારોમાં પાણીની સુવિધા છે તેવા ખેડૂતોએ તો વરસાદ પહેલા જ આગોતરી વાવણી કરી દીધી છે. છેલ્લા બે દિવસથી શરૂ થયેલા વરસાદથી મોટાભાગના ખેડૂતોએ વાવણી શરૂ કરી દીધી છે.