પાલનપુરમાં લાંબા વિરામ બાદ અને ભારે બફારા બાદ આજે બપોરે એકાએક મેઘરાજાએ પધરામણી કરતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. જો કે કીર્તિસ્તંભ વિસ્તાર સહિત જાહેર માર્ગો પર પાણી ભરાઇ ગયા હતા. જેમાં પાલનપુર તાલુકા પંચાયત આગળ તો પાણીનો ભરાવો થઇ જતાં ચાલવું પણ મુશ્કેલ બન્યું હતું.
ગરવીતાકાત,બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે મેઘરાજાએ હાથતાળી આપી હોય તેવો સામાન્ય વરસાદ જોવા મળ્યો છે. પાલનપુર સહિત જિલ્લામાં વરસાદી છાંટા અને વરસાદી ઝાપટાં જોવા મળ્યા છે. ત્યાર બાદ છેલ્લા એક અઠવાડિયા જેટલા સમયથી ગરમીને કારણે ભારે ઉકળાટ અને બફારો શરૂ થઇ ગયો હતો જેને પગલે લોકોને હેરાનગતિ પડી રહી હતી. જોકે આજે બપોર બાદ એકાએક પાલનપુર શહેરમાં વરસાદ શરૂ થઇ જતાં અને જાહેર માર્ગો પર પાણીની રેલમછેલ થઇ જતાં તેમજ વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોએ રાહત અનુભવી હતી. પાલનપુર શહેરમાં નગરપાલિકાના પ્રિ મોન્સુન પ્લાનની કામગીરીની પોલ પણ છતી થઇ જવા પામી છે.
કારણ કે સિમલાગેટ વિસ્તારમાંથી આવતું પાણી કિર્તિસ્તંભ વિસ્તારમાં ભરાઇ રહેતું હોય અહીં જાહેર માર્ગો પર જાણે અહી સાગમટે ૧૦ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હોય અને પાણી ભરાય તેટલું પાણી ભરાઇ ગયું હોય આ રસ્તેથી વાહન લઈને ચાલવું પણ મુશ્કેલ બન્યું હતું. ત્યારે આ બાબતે નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી પ્રિમોન્સુન પ્લાનની કામગીરીની તપાસ હાથ ધરવામાં આવે તો તેમા પણ કૌભાંડ બહાર આવે તેવી સંભાવના છે.
તસ્વીર અહેવાલ જયંતી મેતીય પાલનપુર