દુધસાગર ડેરીની ચુંટણી જેમ જેમ નજીક આવી રહી છે એમ એમ સહકારી રાજકરણમાં પણ મોટા ઉતાર – ચઢાવ આવી રહ્યા છે. લાંબા સમય સુધી દુધસાગર ડેરી ઉપર દબદબો ધરાવનાર વિપુલ ચૌધરી પાસેથી દુધસાગર ડેરીની સત્તા છીનવા લેવા માંગતા ભાજપ પ્રેરીત અશોક ચૌધરીનુ ગ્રુપ સત્તાપલટો કરવા થનગની રહ્યા છે. એવામાં ચુંટણી ટાણે ગત શનિવાર મોડી રાત્રે સી.આઈ.ડી. દ્વારા વિપુલ ચૌધરીની કથિત સાગરદાણ કૌભાંડ મામલે ધરપકડ કરવામાં આવી હતી. જેથી વિપુલ ચૌધરીના ચુંટણી લડવાની સંભાવનાઓ ઉપર આશંકાના વાદળો મંડરાયા હતા. પરંતુ સેસન કોર્ટ તરફથી તેમને રાહત મળતા તેમના સમર્થકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સેસન્સ કોર્ટે વિપુલ ચૌધરીને રાહત આપી દુધસાગર ડેરીની ચુંટણીમાં ફોર્મ ભરવા ઉપર મંજુરી આપી છે.
મહારાષ્ટ્રમાં દુષ્કાળ જેવી પરિસ્થિતીનુ નીર્માણ થતા તેમની મદદ માટે દુધસાગર ડેરી દ્વારા દાણ મોકલાયુ હતુ. જેમા તેમની ઉપર આરોપ લાગ્યા હતા કે કોઈની પરમીશન વગર તેમને આ દાણ મોકલી ભ્રષ્ટાચાર આચર્યો છે. જેમાં 22 કરોડ જેટલી રકમની ઉચાપતનો મામલો નોંધાયો હતો. આ બાબતે ગુજરાતના દિગ્ગજ નેતા શંકરસીંહ વાઘેલા ખુદ વિપુલ ચૌધરીના બચાવમાં ઉતરી તેમની ધરપકડને રાજકીય કીન્નાખોરી સાથે જોડ્યુ હતુ. જેમા શંકરસીંહ વાઘેલાએ કહ્યુ હતુ કે વિપુલ ચૌધરીએ મારા કહ્યા મુજબ મહારાષ્ટ્રમાં સાગરદાણ મોકલ્યુ હતુ એમા કોઈ ભ્રષ્ટાચાર નહતો.
દુધસાગર ડેરીના સહકારી રાજકારણમાં વિપુલ ચૌધરી VS અશોક ચૌધરીની આ લડાઈમાં, ચૌધરી કોમ્યુનીટીમાં અંદરખાને ચર્ચાઓ થઈ રહી છે આવી રીતે સત્તા ઉપર કબ્જો જમાવવાની દોડના કારણે જાતીમાં વિભાજન થઈ શકે છે.
ઘણા વર્ષોથી કથિત સાગરદાણ કૌભાંડનો મામલો ચાલી રહ્યો છે પરંતુ તંત્રને ચુંટણી સમયે જ આ મામલો યાદ આવે છે એવા આરોપો થઈ રહ્યા છે. વિપુલ ચૌધરીના સમર્થકો કહી રહ્યા છે કે તેમની ધરપકડ કરી તેમને ચુંટણીથી દુર રાખવાના પ્રયત્નો થઈ રહ્યા છે. પરંતુ કોર્ટ દ્વારા તેમને ચુંટણીમાં ફોર્મ ભરવાની પરવાનગી મળતા ફરીવાર નવો વળાંક આવ્યો છે.